- જાપાનનો ઓકુનોશિમા આવેલો છે સસલાઓનો ટાપુ
- હજારો સસલા હોવાથી તેને રેબિટ આઈલેન્ડ કહેવાય છે
વિશ્વ આશ્ચર્યજનક રહસ્યોથી ભરેલું છે. દુનિયાના દરેક દેશમાં તમને કેટલીક એવી જગ્યાઓ ચોક્કસ મળી જશે જેના વિશે બહુ ઓછા લોકો જાણતા હશે. દુનિયામાં કેટલાક એવા ટાપુઓ છે જે પોતાનામાં અનોખા અને ખૂબ જ સુંદર છે. આ ટાપુઓ પણ આ ગુણોને કારણે પ્રવાસીઓને આકર્ષે છે.
આજે એક એવા જ ટાપુની વાત કરીશું,જ્યાં માણસો નથી રહેતા. આ ટાપુ પર માત્ર સસલાઓને મેળો જામે છે.આ જ કારણ છે કે આ ટાપુને ‘રેબિટ આઇલેન્ડ’ તરીકે ઓળખવામાં આવે છે. જાપાનનો ઓકુનોશિમા આવેલો આ આઇલેન્ડ ખૂબ જ સુંદર છે અને લોકો અહીં ફરવા પણ આવે છે.
એક મીડિયા રિપોર્ટ પ્રમાણે વર્ષ 1929 અને 1945ની વચ્ચે જાપાને દુનિયાથી સંતાડીને ઝેરી ગેસ બનાવ્યો હતો. આ ઝેરી ગેસ લગભગ 6 હજાર ટનના જથ્થામાં બનાવવામાં આવ્યો હતો. ગેસની અસર ચકાસવા માટે સસલાને ટાપુ પર લાવવામાં આવ્યા હતા. સમયની સાથે અહીં સસલાની વસ્તી વધવા લાગી. આજે સ્થિતિ એવી છે કે આ ટાપુ પર હજારો સસલાં છે.
ટાપૂ પર સસલાઓ હોવાના કારણોની જૂદી જૂદી વાતો
અહીં મોટી સંખ્યામાં સસલાઓ હોવાનું બીજું કારણ એ છે કે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન આ સસલાંઓને ટાપુ પર લાવવામાં આવ્યા હતા અને રાસાયણિક શસ્ત્રોની અસરકારકતા ચકાસવા માટે છોડવામાં આવ્યા હતા. જો કે, જાપાન સરકારનું કહેવું છે કે તે સસલાનો તે જ સમયે નાશ કરવામાં આવ્યો હતો. સરકાર પણ કહે છે કે હવે જે સસલાં છે તેને તે સમયના સસલાંઓ સાથે કોઈ લેવાદેવા નથી.
બીજી એક વાર્તા મુજબ, વર્ષ 1971માં કેટલાક શાળાના બાળકો અહીં પિકનિક માટે આવ્યા હતા. આ બાળકો તેમની સાથે 8 સસલા લાવ્યાં હતાં. આજે આ સસલાની સંખ્યા વધીને હજારો થઈ ગઈ છે
આ ટાપુ પર સસલાની સંખ્યામાં વધારો થવાનું મુખ્ય કારણ તેમના શિકારનો અભાવ હોવાનું પણ કહેવાય છે. આ ટાપુ પર કૂતરા અને બિલાડી જેવા પ્રાણીઓ જોવા મળતા નથી જે તેમનો શિકાર કરે છે. આ ટાપુ પર બિલાડી અને કૂતરા લાવવાની મનાઈ છે. આ ટાપુ હવે “રેબિટ આઇલેન્ડ” તરીકે ઓળખાય છે.
આ ટાપુ પર સસલાની સંખ્યાનો કોઈ ચોક્કસ પુરાવો નથી. તેમ છતાં, ટાપુ પર સસલાંઓને જોવા માટે દરરોજ પ્રવાસીઓ અહીં આવે છે. આ ટાપુ પર એક ગોલ્ફ કોર્સ પણ બનાવવામાં આવ્યો છે. આ ટાપુ પર ફરવા આવતા પ્રવાસીઓ માટે રાઈડની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. જેથી પ્રવાસીઓ આ ટાપુ પર સુંદર નજારોનો આનંદ માણી શકે. વર્ષ 1988માં અહીં એક મ્યુઝિયમ પણ ખોલવામાં આવ્યું હતું જેથી વધુને વધુ લોકોને ઝેરી ગેસ વિશે જણાવી શકાય. મ્યુઝિયમમાં ફોટોગ્રાફ્સ દ્વારા ગેસની અસર બતાવવામાં આવી છે.