મુંબઈઃ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામ સામે આવી રહ્યાં છે. હાલની સ્થિતિએ ભાજપના આગેવાનીમાં મહાયુતિ ચૂંટણી પરિણામમાં આગે જોવા મળી રહી છે. જ્યારે મહાવિકાસ અઘાડી પાછળ ચાલી રહી છે. એમવીએમાં કોંગ્રેસ, શિવસેના (યુટીબી) અને એનસીપી (શરદ પવાર)નો સમાવેશ થાય છે. ચૂંટણી પહેલા મહાયુતિ સરકારે મહિલાઓ માટે શરૂ કરેલી મુખ્યમંત્રી માઝી લાડકી બહીણ યોજનાને ગેમચેંજર માનવામાં આવી રહી છે, એટલું જ નહીં સમગ્ર પ્રચારમાં આ યોજના મહત્વની રહી હતી. આ યોજના મહાયુતિ અને એમવીએ માટે ખુબ મહત્વની રહી હતી. બંનેએ પોતાના ચૂંટણી ઘોષણાપત્રમાં આ યોજનાનો સમાવેશ કર્યો હતો. સત્તાધારી પાર્ટીના નેતાઓ મહારાષ્ટ્રના પરિણામ પાછળ આ યોજનાને ખુબ મહત્વની માની રહ્યાં છે.
મહારાષ્ટ્ર સરકારે 28 જૂન 2024ના રોજ આ યોજના શરૂ કરવાની મંજૂરી આપી હતી. આ યોજના દ્વારા, મહારાષ્ટ્રમાં 21 થી 65 વર્ષની વયની લાયક મહિલાઓને 1,500 રૂપિયાની નાણાકીય સહાય આપવામાં આવે છે. આ યોજનાનો લાભ DBT દ્વારા મહિલાઓને તેમના ખાતામાં સીધો આપવામાં આવી રહ્યો છે. સરકારનું કહેવું છે કે આ યોજના રાજ્યમાં મહિલાઓની આર્થિક સ્વતંત્રતા સુધારવા, તેમના સ્વાસ્થ્ય અને પોષણમાં સુધારો કરવા અને પરિવારમાં તેમની મહત્વપૂર્ણ ભૂમિકાને મજબૂત કરવા માટે શરૂ કરવામાં આવી હતી.