અમદાવાદ: રક્ષાબંધનના તહેવારને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે. ત્યારે આ વખતે રાખડીઓના ભાવમાં 10થી 15 ટકાનો વધારો થતાં બહેનોએ મોંઘા ભાવે રાખડીઓ ખરીદવાની ફરજ પડશે, આ વખતે રાખડીઓની નવી અનેક વેરાયટીઓ જોવા મળી રહી છે. અવનવી ડિઝાઈનની ચિત્તાકર્ષક રાખડીઓનું ધૂમ વેચાણ થઈ રહ્યુ છે. રાખડીઓના વેપારીઓના કહેવા મુજબ રાખડી બનાવવા માટેના આવશ્યક વિવિધ રો મટીરીયલ્સ તેમજ લેબર વર્કના ભાવમાં વધારો થતા આ વર્ષે રાખડીના ભાવમાં અંદાજે 10 થી 15 ટકાનો વધારો નોંધાયો છે તેમ છતાં રાખડીના વેચાણમાં ઘટાડો થયો નથી.
ગુજરાતભરમાં શ્રાવણ સુદ પૂનમના પર્વે આગામી તા. 19 ઓગસ્ટને સોમવારે રક્ષાબંધનના તહેવારની પરંપરાગત રીતે ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે. બહેનના ભાઈ પ્રત્યેના નિષ્પાપ, નિર્મળ અને નિસ્વાર્થભાવે સેવેલી શુભેચ્છાઓના પ્રતિક સમાન આ રક્ષાબંધનના અવસરે બહેનો દ્વારા લાડકવાયા ભાઈના કાંડે પવિત્ર રક્ષારૂપી રાખડી બાંધી, ગળ્યુ મો કરાવી તેમના દિર્ઘાયુષ્ય અને પ્રગતિ અંગે પ્રાર્થના કરતી હોય છે. રક્ષાબંધન પર્વને ગણતરીના દિવસ બાકી રહ્યા છે. ત્યારે શહેરના રાયપુર, ત્રણદરવાજા, લાલ દરવાજા, ગાંધી રોડ તેમજ શહેરના વિવિધ વિસ્તારોમાં સીઝનેબલ દુકાનો અને લારીઓમાં તેમજ બ્રાન્ડેડ મોલ, શોરૂમમાં ઢગલામોઢે એક એકથી ચડીયાતી અવનવી આકર્ષક ડિઝાઈનવાળી સીમ્પલ, ફેન્સી, ભાભીરાખડી, સુખડ, ઓસ્ટ્રેલિયન, ક્રિસ્ટલ, કોરીયન, મેટાલીક, પારાની રૂદ્રાક્ષ, તુલસી, બ્રેસલેટ રાખડી, બાળકો માટે સુપરમેન, બેટમેન, સ્પાઈડરમેન તેમજ અન્ય કાર્ટુન કેરેકટરવાળી રાખડીઓ પણ ધૂમ વેચાઈ રહી છે.
રક્ષાબંધનનો તહેવાર નજીકમાં છે ત્યારે બહેનો મનપસંદ રાખડીની ખરીદી માટે ઉમટી રહી છે. હાલ શહેરમાં બરોડા, કલકત્તા સાઈડથી આવતી ફેન્સી રાખડીઓ વેચાઈ રહી છે. ઉપરાંત સુરતની નામાંકિત કંપની દ્વારા બનાવાયેલી સાચા ડાયમંડની રાખડી, સોના-ચાંદીની રાખડી પણ વિશેષ આકર્ષણનું રૂપ બની રહી છે. બજારમાં હાલ 5 રૂપિયાની સાદી રાખડીથી લઈને 5 હજારના મૂલ્યવાળી રાખડીઓનું વેચાણ થઈ રહ્યું છે. જો કે મધ્યમ વર્ગની મહિલાઓ 50થી 100 રૂપિયાની કિંમતની રાખડીઓ ખરીદી રહી છે.
રાખડીઓના વેપારીઓના કહેવા મુજબ ગત વર્ષની તુલનામાં આ વર્ષે વિવિધ રો મટીરીયલ્સ તેમજ લેબરવર્કના ભાવમાં સડસડાટ વધારો સહિતના કારણે રાખડીના ભાવમાં અંદાજે રૂપિયા 10 થી 15 ટકાનો વધારો નોંધાયો છે. રાખડીની સાથે ભાઈ બહેનના શુભેચ્છા કાર્ડની આપ-લે હવે ક્રમશ ઘટી રહી છે. બજારમાં ગુજરાતી, હિન્દી અને અંગ્રેજીમાં રક્ષાબંધન સંબંધિત હૃદયસ્પર્શી લખાણવાળા કાર્ડ પણ જોવા મળી રહ્યા છે.