- મૈસૂરમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની થશે ઉજવણી
- 25 કરોડથી વધુ લોકોને જોડવાનું લક્ષ્ય…
- PM મોદી પણ થશે સામેલ
કર્નાટક :આ વર્ષે આંતરરાષ્ટ્રીય યોગ દિવસનો મુખ્ય કાર્યક્રમ દક્ષિણ ભારતના ઐતિહાસિક અને સાંસ્કૃતિક શહેર મૈસૂરમાં યોજાશે, જેનું નેતૃત્વ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરશે. સોમવારે એક પ્રેસ કોન્ફરન્સમાં આ માહિતી આપતાં આયુષ મંત્રી સર્બાનંદ સોનોવાલે કહ્યું કે,21 જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસનો મુખ્ય કાર્યક્રમ વડાપ્રધાનના નેતૃત્વમાં મૈસૂરમાં યોજાશે.તેમણે કહ્યું કે તમામ રાજ્ય સરકારોને આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે.
આ ઉપરાંત કેન્દ્ર સરકારના તમામ મંત્રાલયો અને વિભાગોના પ્રતિનિધિઓ પણ આ કાર્યક્રમમાં ભાગ લેશે.તેમણે કહ્યું કે,આ વર્ષે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની વૈશ્વિક ઉજવણી ઉગતા સૂર્યના દેશ જાપાનમાં શરૂ થશે અને ન્યુઝીલેન્ડમાં સમાપ્ત થશે. આનું આયોજન સંબંધિત દેશના ભારતીય દૂતાવાસ દ્વારા કરવામાં આવશે. સોનોવાલે કહ્યું કે,આઝાદીના અમૃત ઉત્સવને ધ્યાનમાં રાખીને આ વર્ષે 75 દિવસ અગાઉથી યોગના આયોજન માટે કાઉન્ટડાઉન શરૂ કરવામાં આવ્યું હતું.
આ અંતર્ગત હૈદરાબાદમાં 25મી કાઉન્ટડાઉનમાં યોગાભ્યાસનું આયોજન કરવામાં આવશે જેમાં 10 હજારથી વધુ લોકો ભાગ લેશે.તેમણે કહ્યું કે આ વર્ષથી આંતરરાષ્ટ્રીય યોગ દિવસનું આયોજન કરીને 25 કરોડથી વધુ લોકોને જોડવાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે.