આ વર્ષે આ સંયોગમાં ઉજવાશે હનુમાન જયંતિ, જાણી લો ઘરે હનુમાનજીની પૂજા કરવાની વિધિ
દર વર્ષે ચૈત્ર મહિનાની પૂનમની તિથિ પર હનુમાન જયંતિ ઉજવવામાં આવે છે. આ દિવસની ઉજવણી દેશભરમાં ધામધૂમથી કરવામાં આવે છે. આ વર્ષે 23 એપ્રિલ અને મંગળવારે હનુમાન જયંતિ ઉજવાશે. હનુમાનજી એકમાત્ર એવા દેવ છે જે ધરતી પર આજે પણ સશરીર હાજર છે. જ્યાં પણ શ્રદ્ધાપૂર્વક તેમને યાદ કરવામાં આવે છે ત્યાં તેઓ હાજરાહજુર હોય છે. તેથી જ તેમને કષ્ટભંજન અને સંકટમોચન પણ કહેવાય છે.
હનુમાન જયંતિના દિવસે જે પણ વ્યક્તિ વિધિ-વિધાનથી હનુમાનજીની પૂજા કરે છે તેની બધી જ મનોકામના પૂર્ણ થાય છે. આ વર્ષે હનુમાન જયંતિ મંગળવારે છે જે તેને વિશેષ બનાવે છે. આ દિવસે તમે પણ જો ઘરે હનુમાનજીની પૂજા કરવા માંગો છો તો તમને આજે આ પૂજા કરવાની સરળ રીત જણાવીએ. ઘરે કેટલાક નિયમોનું પાલન કરી તમે હનુમાનજીની પૂજા કરી શકો છો.
ઘરે આ રીતે કરો હનુમાનજીની પૂજા
હનુમાન જયંતિના દિવસે પૂજા કરવાનું મુહૂર્ત સવારે 9 કલાક અને 03 મિનિટથી શરુ થશે જે 10 કલાક અને 41 મિનિટ સુધી રહેશે. આ સમય દરમિયાન આ વિધિ અનુસાર હનુમાનજીની પૂજા કરવી.
સૌથી પહેલા સવારે બ્રહ્મ મુહુર્તમાં જાગી જવું.
– સ્નાન કરી સ્વચ્છ વસ્ત્ર ધારણ કરવા અને સૂર્યદેવને જળ અર્પણ કરવું.
– ત્યારપછી એક બાજોઠ પર લાલ વસ્ત્ર પાથરી તેના પર હનુમાનજીની પ્રતિમા સ્થાપિત કરવી.
– હનુમાનજીને સિંદૂર, ચોખા અને લાલ ફૂલ અર્પણ કરો.
– હનુમાનજીને ભોગમાં લાડુ ધરાવો.
– ત્યારબાદ તેમની સામે બેસી 7 વખત હનુમાન ચાલીસાનો પાઠ કરો.
– હનુમાન ચાલીસા કર્યા પછી આરતી કરો.
હનુમાન જયંતિ પર ન કરો આ કામ
હનુમાન જયંતિના દિવસે માંસ-મદિરાનું સેવન ન કરો. આ દિવસે ક્રોધ કરવાથી બચો. હનુમાન જયંતિ પર વાળ કપાવવા નહીં અને કોઈનું અપમાન પણ કરવું નહીં.