એમવી કેમ પ્લૂટો જહાજ પર ડ્રોનથી હુમલાના જવાબદારોને છોડવામાં નહીં આવેઃ રાજનાથસિંહ
નવી દિલ્હીઃ એમવી કેમ પ્લૂટો જહાર ઉપર ડ્રોનથી હુમલો અને લાલ સાગરમાં એમવી સાઈબાબા પર હુમલા મામલે ભારત સરકારે કહ્યું છે કે, જવાબદારોને છોડવામાં આવશે નહીં. કેન્દ્રીય રક્ષામંત્રી રાજનાથ સિંહે જણાવ્યું હતું કે, હુમલાખોરોને પાતાળમાંથી ખોદીને બહાર કાઢવામાં આવશે.
રાજનાથ સિંહે જણાવ્યું હતું કે, ભારતમાં સમુદ્રી ક્ષેત્રમાં હલચલ તેજ બની છે ભારતની વધતી આર્થિક તાકાત કેટલાક લોકોને ખુંચી રહી છે. કેમ પ્લૂટો અને સાઈ બાબા બે ભારતીય જહાજો ઉપર હુમલા થયાં છે. અમે કહેવા માંગીએ છીએ કે, જેમણે આને અંજામ આપ્યો છે તેમને દરિયાના ઉંડાણમાંથી નિકાળવામાં આવશે અને સબક શિખવાડીશુ, જવાબ આપીશું.
મુંબઈમાં આઈએનએસ ઈમ્ફાલમાં કમીશર્નિંગ સમારોહમાં રાજનાથ સિંહે જણાવ્યું હતું કે, નૌસેનાના જહાજો ઉપર થયેલા હુમલાને પગલે ભારતે સમુદ્રમાં પેટ્રોલીંગ વધારી દીધું છે. નૌસેના પ્રમુખ એડમિરલ આર.હરિકુમારએ જણાવ્યું હતું કે, કોમર્શિયલ શિપ્સ પર સમુદ્રમાં હુમલો અને ડ્રોન વડે હુમલાને અટકાવવા માટે ચાર વિધ્વંસકશિપ તૈનાત કરવામાં આવ્યાં છે. જેમાં પી-8આઈ વિમાન, ડોર્નિયર્સ, સી ગાર્ડિયન, હેલિકોપ્ટર અને તટરક્ષક પોત સંયુક્ત રીતે સામેલ છે.
પોરબંદરમાં લગભગ 217 મીલ દરિયામાં 21 ભારતીય ક્રુ મેમ્સર સાથેના કોમર્શિયલ શિપ ઉપર ડ્રોન વડે હુમલો થયો હતો. જે બાદ ભારતીય નૌસેના અને ભારતીય તટરક્ષક દળએ જહાજને મદદ મોકલી હતી. જહાજ ઉપર થયેલા ડ્રોન હુમલા મામલે અમેરિકાએ ઈરાન ઉપર આક્ષેપ કર્યો હતો અને ઈરાને જ હુમલો કરાવ્યાનો દાવો કર્યો હતો. જો કે, ઈરાને અમેરિકાના આક્ષેપને પાયાવિહોણા ગણાવ્યાં હતા.