અમદાવાદઃ શહેરમાં મ્યુનિ. કોર્પોરેશન દ્વારા કોરોના વેક્સિનના બે ડોઝ લીધા હોય તેવા લોકોને વેક્સિનનો ત્રીજો ડોઝ એટલે કે, બૂસ્ટર ડોઝ આપવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. કોરોનાની વેક્સિનના બંને ડોઝ લેનારા નાગરિકોને દિવાળી પછી બૂસ્ટર ડોઝ આપવામાં આવે તેવી શક્યતા છે રાજ્ય સરકાર દ્વારા સત્તાવાર જાહેરાત બાદ આ અંગેની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના સૂત્રોના જણાવ્યા મુજબ ગત 16 જાન્યુઆરી 2021થી અમદાવાદ શહેરમાં કોરોનાની વેક્સિન આપવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. કોરોનાની વેક્સિનના બે ડોઝ પૂર્ણ થઇ ગયા હોય તેવા નાગરિકોને ત્રીજો બૂસ્ટર ડોઝ આપવામાં આવશે. પહેલાં હેલ્થ કેર વર્કર, ફ્રન્ટ લાઇન વર્કર અને સિનિયર સિટીઝનને પ્રાથમિકતા આપવામાં આવશે. દિવાળી પછી બાળકોને કોરોનાની રસી આપવાનું શરૂ કરાશે જેની સાથે ત્રીજો બૂસ્ટર ડોઝ આપવાની પણ કવાયત હાથ ધરવામાં આવી છે. 18મી ઓક્ટોબરની સ્થિતિએ અમદાવાદ શહેરમાં અત્યાર સુધીમાં કુલ 70,14,274 ડોઝ આપવામાં આવ્યા છે, જેમાં ફર્સ્ટ ડોઝ 46,09,422 નાગરિકોને અપાયો છે જ્યારે 24,04,852 નાગરિકોને બંને ડોઝ આપવામાં આવ્યા છે. આમ, અમદાવાદ શહેરની ટારગેટેડ પોપ્યુલેશનની સામે 52 ટકા લોકોને બંને ડોઝ આપવામાં આવ્યા છે.
જ્યારે ફર્સ્ટ ડોઝની સામે બીજો ડોઝ આપવામાં આવ્યો હોય તેની સંખ્યા 52.17 ટકા લોકોની છે. 0.17 ટકા નાગરિકો એવા છે કે જેઓ ટારગેટેડ પોપ્યુલેશનમાં ન હતા છતાં તેઓને બંને ડોઝ આપવામાં આવ્યા છે. હાલની સ્થિતિએ અમદાવાદ શહેરમાં 84 દિવસનો સમયગાળો પૂર્ણ થઇ ગયો હોય છતાં સેકન્ડ ડોઝ લેવા ન આવ્યા હોય તેવા નાગરિકોની સંખ્યા બે લાખની આસપાસ છે. અમદાવાદ શહેરમાં બે લાખ નાગરિકો એવા છે કે, જેઓ પ્રથમ ડોઝ લીધા બાદ 84 દિવસનો સમય વીતી ચૂક્યો છે છતાં બીજો ડોઝ લેવા આવ્યા નથી.
અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના સૂત્રોએ ઉમેર્યું હતું કે, અમદાવાદ શહેરમાં પહેલો ડોઝ લીધા બાદ બીજા ડોઝ માટે 84 દિવસથી 102 દિવસની વચ્ચે બીજો ડોઝ લઇ શકાય છે, જોકે, આ સમયગાળો પણ લાંબો છે જેથી સેકન્ડ ડોઝ લેવા ન આવનારા નાગરિકોની સંખ્યા વધુ જોવા મળી રહી છે. અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા એક વાર ફર્સ્ટ ડોઝ લેનારા દર્દીઓની સંખ્યા 100 ટકા થઇ જશે પછી બીજો ડોઝ લેવાની સંખ્યા 100 ટકા થતાં ઓછામાં ઓછા ત્રણ મહિનાનો સમય લાગશે. જોકે, અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા દિવાળી પછી બંને ડોઝ લેનારા નાગરિકોને ત્રીજો બૂસ્ટર ડોઝ આપવામાં આવશે. અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા શહેરમાં દરેક નાગરિકોને કોરોનાના બંને ડોઝ મળે તે માટે પુરતા પ્રમાણમાં વેક્સિનનો જથ્થો છે પણ લોકો સમયસર વેક્સિન લેવા આવી રહ્યાં નથી.