Site icon Revoi.in

બનાસકાંઠામાં સરેરાશ 65 ટકા વરસાદ પડ્યો છતાં મુખ્ય ત્રણ જળાશયો 10 ટકા પણ ભરાયા નથી

Social Share

પાલનપુરઃ બનાસકાંઠા જિલ્લામાં 65 જેટલો વરસાદ વરસી ગયો છે, પરંતુ ધામીધારે સમયાંતરે વરસાદ પડ્યો હોવાથી જળાશયો માત્ર 10 ટકા જ ભરાયા છે. જોકે હજુ વરસાદના ઝાપટાં પડી રહ્યા છે. પણ ભારે વરસાડ પડે તો જ જળાશયો છલકાય તેમ છે. જો જિલ્લાના જળાશયો પુરેપુરા છલકાશે નહી તો આવતા ઉનાળામાં પાણીની સમસ્યા ઊભી થવાની ખેડુતો દહેશત વ્યક્ત કરી રહ્યા છે.

સૂત્રોના જણવ્યા મુજબ બનાસકાંઠા જિલ્લાના ત્રણ જળાશયો પુરતા ભરાયા નથી. ભર ચોમાસે ત્રણેય ડેમ ખાલી ખમ જોવા મળી રહ્યા છે. દાંતીવાડા, સીપુ અને મુક્તેશ્વર ડેમમાં પાણી ન હોવાને કારણે જિલ્લામાં આવનારો સમય પાણી માટે મુશ્કેલીઓ ભર્યો બનશે એવુ લાગી રહ્યુ છે. દાંતીવાડા ડેમમાં 9.38 ટકા, મુક્તેશ્વર ડેમમાં 3 ટકા અને સિપુ ડેમમાં 0.39 ટકા પાણી છે. જેને લઇને જિલ્લાના ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે. જોકે  દાંતીવાડા ડેમમાં બનાસનદીના પાણીની આવક શરૂ છે. જેને લઈ ખેડૂતોમાં થોડી આશા જોવા મળી રહી છે.

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતનાં સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાતમાં ભારે વરસાદથી નદીઓ ડેમ તેમજ તળાવો છલકાયા છે, ત્યારે  ઉતર ગુજરાતનાં બનાસકાંઠા જિલ્લામાં સરેરાશ 64 ટકા વરસાદ પડ્યો હોવા છતાં હજુ ડેમોમાં પાણીની પુરતી આવક થઈ નથી. જિલ્લાનાં સૌથી મોટા ત્રણ જળાશયો ખાલી ખમ જેવી પરિસ્થિતિમાં છે. સીપુ ડેમ તો એક વર્ષથી ખાલીખમ છે. જ્યારે દાંતીવાડા ડેમમાં નહિવત માત્ર 9.38 ટકા પાણી છે. તેમજ મુક્તેશ્વર ડેમમાં 3.38 ટકા પાણી છે. ત્યારે ભરચોમાસે જીવાદોરી સમાન આ ડેમ ખાલીખમ રહેતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. 2017માં પૂર આવ્યા બાદ છેલ્લા ચાર વર્ષથી ચોમાસુ નબળું રહેતા અને ઉપરવાસમાં વરસાદ ન પડવાને કારણે આ ડેમોમાં નવા નીર આવ્યા નથી. સિંચાઇનું પાણી ખેડૂતો માટે બંધ છે, પરંતુ હવે આવનાર સમયમાં જો વરસાદ નહિ આવે તો પીવાના પાણીના પણ વલખા મારવા પડે એવી પરિસ્થિતિ સર્જાય તેવા એંધાણ જોવા મળી રહ્યા છે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, દાંતીવાડા સીપુ અને મુક્તેશ્વર ડેમમાંથી જિલ્લાના અનેક ગામડાઓને પાણીનો લાભ આપવામાં આવતો હોય છે, પરંતુ  ડેમ પુરતા ન ભરાતા ગામડાઓમાં પણ પાણી પહોંચાડવું મુશ્કેલ છે. ઉપરવાસમાં પણ વરસાદ ન પડવાને કારણે જિલ્લાના મોટાભાગના જળાશયો ખાલી ખમ છે, જો કે હજુ વરસાદના યોગ સારા છે. એટલે જો ધોધમાર વરસાદ પડે તો જળાશયો છલકાશે એવી ખેડુતો આશા રાખી રહ્યા છે.