Site icon Revoi.in

અમદાવાદના હાથીજણમાં પાઈપલાઈન તુટી જતાં હજારો લીટર પાણી વેડફાયું

Social Share

અમદાવાદઃ  શહેરમાં ભૂગર્ભ પાણીની પાઇપલાઇનો તૂટવાના બનાવો વધી રહ્યા છે. રામોલ હાથીજણ વોર્ડમાં આવતાં હાથીજણ રોડ પર પાણીની પાઇપલાઇન તુટી જતા હજારો લીટર પાણી વેડફાઈ રહ્યું છે. સૈજપુર બોધા વોર્ડમાં પણ છેલ્લા બે દિવસથી પાણીની પાઇપલાઇન તૂટી ગઈ છે જેથી રોડ પર પાણી ભરાઇ જતા વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા રામોલ હાથીજણ વોર્ડમાં આવેલા હાથીજણ રોડ પર લાલગેબી આશ્રમ જવાના રસ્તા પાસે જ પાણીની પાઇપલાઇન તૂટી જતાં પાણી રોડ વહેવા લાગ્યું હતું. રોડ પર પાણી ફરી વળતાં વાહનચાલકોને હાલાકી પડી રહી છે. કોર્પોરેશન તંત્રએ માત્ર બોર્ડ અને પટ્ટી મારી દીધી છે. પરંતુ સમારકામની કામગીરી હાથ ધરવામાં આવી નથી. હજારો લીટર પાણીનો વેડફાટ થયો છે. આ જ રીતે સૈજપુર બોધા વોર્ડમાં રોડ પર ખોદકામ કરેલી જગ્યા પાસે જ પાણીની પાઇપલાઇન લીકેજ થઈ જતા પાણી રોડ પર ફરી વળ્યું છે. નાના એવા સાંકડા રસ્તા પર ખોદકામ સાથે પાઇપલાઇન તૂટી જતા કાદવ કીચડ અને પાણી ભરાઈ ગયા છે. લોકોને પાણીમાંથી જવાની ફરજ પડી રહી છે. અવારનવાર દરેક વિસ્તારમાં કોઈને કોઈ કારણે આવી પાઇપલાઇન તૂટી જાય છે પરંતુ કોર્પોરેશનના અધિકારી દ્વારા કામગીરી કરવામાં આવતી નથી જેથી નાગરિકોને હાલાકી ભોગવવી પડે છે.