ડાકોરઃ ખેડા જિલ્લાના પવિત્ર યાત્રાધામ ડાકોરમાં ફાગણી પૂનમ નિમિત્તે હજારોની સંખ્યામાં પદયાત્રીકો ઠાકોરજીના દ્વારે પહોચી ગયા છે. તમામ લોકોને દર્શનનો લાભ મળે અને દર્શનાર્થીઓને ક્યાં પણ તકલીફ ન પડે તે માટે તંત્ર દ્વારા આયોજન કરાયું છે. પદયાત્રીઓના ઘસારાને પહોંચી વળવા તંત્ર એ પતરાના આડ બંધ લગાવી એન્ટર, એક્ઝીટના પોઈન્ટ નક્કી કર્યા છે. આ ઉપરાંત વ્યવસ્થાના ભાગરૂપે 2 હજારથી વધુ પોલીસ કર્મચારીઓ સહિત 44 અલગ અલગ જગ્યાએ અને રણછોડજી મંદિરના ચારેય દ્વાર પર એક્ઝેકેટીવ મેજીસ્ટ્રેટ ખડે પગે રાઉન્ડ ધ કલોક પેટ્રોલીંગ કરી રહ્યા છે.
ડાકોરમાં કોણ છે, રાજા રણછોડ છે’ ના ગગનભેદી નાદ સાથે સોમવારથી ડાકોરની ગલીઓ ગૂંજી ઉઠી છે. ગુજરાતભરમાંથી હજારોની સંખ્યામાં ભક્તો તેમજ મોટી સંખ્યામાં પદયાત્રિકો ડાકોર પહોંચી ગયા છે. ખાસ વહીવટી અને પોલીસ તંત્રએ ચૌદસથી પૂનમ અને ત્યાર બાદ ધૂળેટી સુધી ખાસ બંદોબસ્ત ગોઠવ્યો છે. તમામ પોલીસ જવાનો ખડે પગે રહી ડાકોર આવતાં પદયાત્રીઓ માટે સેવા બજાવી રહ્યા છે. બીજી બાજુ NDRFની ટીમ, આરોગ્યની ટીમ સહિત એમ્બ્યુલન્સ તથા ઈમરજન્સી સેવાઓ સતત પદયાત્રીઓના રસ્તાઓ પર તૈનાત કરવામાં આવી છે. ઈમરજન્સી સેવાઓ સ્ટેન્ડ ટુ ગોઠવવામાં આવી છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે, રણછોડરાયજીના મંદિર પાસે કંટ્રોલરૂમ શરૂ કરાયો છે. આરોગ્ય માટે પણ કન્ટ્રોલ રૂમ કાર્યરત કરાયો છે. 44 અલગ-અલગ જગ્યા ઉપર અને મંદિરના ચાર દ્વાર પર એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની નિમણૂક જિલ્લા કક્ષાએથી કરી દેવામાં આવી છે. આ ઉપરાંત ભયજનક ઊંડા પાણી વાળા સ્થળો પર એનડીઆરએફની ટીમ મૂકવામાં આવી છે. 5 એમ્બ્યુલન્સ જેમાં 2 પદયાત્રીઓના રૂટ પર તેમજ અન્ય 3 ડાકોર સીટીમાં સ્ટેશન કરાઈ છે. 10 પાણી પુરવઠાના પોઈન્ટ મુકાયા છે. 9 હેલ્થ ટીમો ખડેપગે કરાઈ છે. પદયાત્રીઓનો ખાસ થાક ઉતરે તે માટે મનોરંજન થકી બે સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ બે જુદા જુદા દિવસ દરમિયાન આયોજન કરવામાં આવ્યું છે.
ઇન્ચાર્જ જિલ્લા એસપી બાજપાઈએ જણાવ્યું કે, પૂનમ નિમિત્તે 12 ડીવાયએસપી, 35 પી.આઈ, 115 પી.એસ.આઇ, તેમજ હોમગાર્ડ મહિલા પોલીસ સહિત 2,115 પોલીસ જવાનોનો બંદોબસ્ત ગોઠવાયો છે. આ ઉપરાંત ટેકનોલોજીનો ઉપયોગ પણ કરવામાં આવી રહ્યો છે. જેમાં વિશ્વાસ પ્રોજેક્ટ હેઠળ આવતા 160 જેટલા કેમેરા અને બોડીવોન કેમેરા 60નો ઉપયોગ કરીએ છીએ. સાથે સાથે 12 જેટલા લાઈવ કેમેરા નેત્રંગ કમાન્ડિંગ દ્વારા રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલીંગ શરુ કરી દેવાયું છે. તેમજ પોલીસ હેલ્પ સેન્ટર પણ શરૂ કરી દેવામાં આવ્યું છે.