‘ટ્રેન દુર્ઘટના બાદ હજારો લોકોએ ટિકિટ કેન્સલ કરાવી’,કોંગ્રેસના દાવા પર રેલવેએ આપ્યો આ જવાબ
દિલ્હી : ઇન્ડિયન રેલ્વે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (IRCTC) એ ઓડિશા ટ્રેન દુર્ઘટના અંગે કોંગ્રેસના દાવાને ફગાવી દીધો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે ટ્રેન દુર્ઘટના બાદ હજારો લોકોએ તેમની ટિકિટો રદ કરી છે. કોંગ્રેસના ટ્વીટનો જવાબ આપતા IRCTCએ કહ્યું કે આ દાવો ખોટો છે. રદ કરવાની સંખ્યામાં વધારો થયો નથી.
વાસ્તવમાં, શુક્રવારે ઓડિશાના બાલાસોરમાં ટ્રિપલ ટ્રેન અકસ્માત થયો હતો. અહીં ત્રણ ટ્રેનોની ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં 275 લોકોએ જીવ ગુમાવ્યા હતા. જ્યારે 1100 લોકો ઘાયલ થયા છે. કોંગ્રેસ આ ઘટનાને લઈને સતત કેન્દ્ર પર નિશાન સાધી રહી છે.
ઓડિશાના કોંગ્રેસના નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ભક્ત ચરણ દાસે પ્રેસ કોન્ફરન્સ કરીને મોદી સરકાર પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું હતું કે, આવો ટ્રેન અકસ્માત ભૂતકાળમાં ક્યારેય થયો નથી, સેંકડો લોકોએ જીવ ગુમાવ્યા અને હજારથી વધુ લોકો ઘાયલ થયા. આ ઘટનાએ સૌને દુઃખી કર્યા છે. એટલું જ નહીં, તેણે દાવો કર્યો કે અકસ્માત બાદ હજારો લોકોએ પોતાની ટિકિટો કેન્સલ કરાવી છે. તેમને લાગે છે કે ટ્રેનમાં મુસાફરી કરવી સુરક્ષિત નથી.
કોંગ્રેસે ભક્ત ચરણદાસની પ્રેસ કોન્ફરન્સનો વીડિયો પણ શેર કર્યો હતો. હવે IRCTCએ ભક્ત ચરણ દાસના દાવાને ખોટો ગણાવ્યો છે. IRCTCએ કહ્યું, આ વાસ્તવમાં ખોટું છે. કેન્સીલેશન વધ્યું નથી. તેનાથી વિપરીત, 01મી જૂનના કેન્સીલેશન 7.7 લાખથી ઘટીને 03મી જૂને 7.5 લાખ થઈ ગયું છે.
આ ઘટના શુક્રવારે બાલાસોરના બહાનગા બજાર સ્ટેશન પાસે બની હતી. અહીં ચેન્નાઈથી હાવડા જઈ રહેલી 12841 કોરોમંડલ એક્સપ્રેસ લૂપ લાઈનમાં ઉભી રહેલી માલગાડી સાથે અથડાઈ હતી. આ પછી કોરોમંડલના ઘણા કોચ પાટા પરથી ઉતરી ગયા હતા. આ કોચ નજીકની લાઇન પરથી પસાર થઈ રહેલી યશવંતપુર હાવડા એક્સપ્રેસ સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં 275 લોકોના મોત થયા હતા. જ્યારે 1100 લોકો ઘાયલ થયા છે. 100થી વધુ મૃતદેહોની હજુ સુધી ઓળખ થઈ શકી નથી.