વાવાઝોડું સમી ગયા બાદ હજુપણ કંડલા અને મુંદ્રા પોર્ટ પર હજારોની સંખ્યામાં ટ્રક પાર્ક કરાયેલા છે,
અમદાવાદઃ વાવાઝોડુ બિપોરજોય કચ્છના દરિયાઈ નજીકના જખૌ બંદર નજીક લેન્ડફોલ થયું હતું. ગુરૂવારથી મુદ્રા સહિતના પોર્ટ પર કામગીરી થંભાવી દેવામાં આવી હતી તથા બંદર પર લાંગરેલા તમામ જહાજો તથા તેના હજારો કર્મચારીઓને પણ સલામત કરી દેવામાં આવ્યા હતા જેના કારણે દેશભરમાંથી આયાત-નિકાસ માટેની કામગીરીમાં જોડાયેલા વિશાળકાય કન્ટેનરો સહિત 1000 જેટલા ટ્રકો હાલ કંડલા અને તેના આસપાસના વિસ્તારોમાં પાર્ક કરેલા જોવા મળી રહ્યા છે. આ ઉપરાંત અહી ગુડસ સહિતની ટ્રેનોની આવાગમન પણ હજુ બંધ છે. સ્થિતિ પૂર્વવત બન્યા બાદ મુન્દ્રા અને કંડલા પોર્ટ પુનઃ ધમધમતા થતાં જ હજારો ટ્રકો ફરી માર્ગ પર દોડતા થશે.
પ્રાપ્ત માહિતી મુજબ ફકત કંડલા પોર્ટની આસપાસ જ 1૦૦૦થી વધુ ટ્રકો થંભાવી દેવામાં આવ્યા હતી જેમાં 40 ટકાથી વધુ ટ્રકો અને કન્ટેનર્સમાં નિકાલ માટેનો માલસામાન ભરાયો છે. જયારે બાકીના આયાત થયેલા માલને દેશમાં પહોંચાડવા માટે અહી પહોંચ્યા હતા. હવે તેના ડ્રાઈવર કલીનર્સ સહિતના સ્ટાફ માટે અહી સ્થાનિક સ્તરે જે સલામત ઉતારા ભોજન વિ.ની વ્યવસ્થા સ્થાનિક એજન્ટો તથા એસો.ની મદદથી કરવામાં અવી હતી જોકે, સામખીયાળી સુધી ટ્રકોનો કાફલો પથરાયેલો છે તેવુ એસો.ના પ્રમુખે જણાવ્યું હતું
બિપરજોય વાવાઝોડું કચ્છ ઉપર ટકરાતા તેની અસર દરિયાકાંઠા ઉપર જોવા મળી હતી. કચ્છના જખૌ બંદરે ત્રાટકેલા બિપરજોય વાવાઝોડાનું તાંડવ વહેલી સવાર સુધી યથાવત રહ્યો હતો.વોવાઝોડાના લીધે ગાંધીધામ, કંડલા સહિત સમગ્ર કચ્છમાં ભારે પવનના સુસવાટા સાથે વરસાદ વરસ્યો હતો. ગાંધીધામમાં 8 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો હતો. ભારે પવનના કારણે ગાંધીધામ, કંડલા વિસ્તારમાં મોટી સંખ્યામાં વૃક્ષો અને વિજપોલ ધરશાયી થયા હતા. તો કેટલાક વિસ્તારોમાં ભારે પવનના કારણે ઘરોના પતરા ઉડ્યા હતા. ભારે વરસાદના કારણે ગાંધીધામ શહેરની મુખ્ય બજાર સહિત નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યાં હતા. વાવાઝોડાના લીધે કંડલા પોર્ટના ગોડાઉનના પતરા ઉડીને ગાડી ઉપર પડ્યા હતા. ગાંધીધામમાં સ્થિત કંડલા સ્પેશિયલ ઇકોનોમિક ઝોનનું મુખ્ય પણ ભારે પવનના લીધે ધરાશાયી થઈ ગયું હતું અને SEZમાં આવેલી કેટલીક કંપનીઓના પતરા ઉડી ગયા હતા.