ગાંધીનગરઃ રાજ્ય સરકારમાં 2005થી ભરતી થયેલા કર્મચારીઓને જુની પેન્શન યોજનાનો લાભ મળવાનો નથી. સરકારે 2005થી નવી પેન્શન યોજના લાગુ કરી છે. તેનો કર્મચારીઓ વિરોધ કરી રહ્યા છે. રાજ્ય સરકારને અગાઉ વિવિધ મંડળોએ રજુઆતો કરીને આવેદનપત્રો આપ્યા હોવા છતાં પ્રશ્નનો ઉકેલ આવ્યો નથી. ત્યારે હવે કર્મચારીઓએ લડતનો માર્ગ અપનાવ્યો છે. ગાંધીનગરમાં સત્યાગૃહ છાવણી ખાતે રાષ્ટ્રીય ઓલ્ડ પેન્શન પુન:સ્થાપન સંયુક્ત મોરચાની આગેવાનીમાં મહાસભા યોજાઈ હતી જેમાં મોટી સંખ્યામાં ક્મચારીઓ ઉમટી પડ્યા હતા.
રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં ગત તારીખ 1લી, એપ્રિલ-2005 પછી ભરતી થયેલા કર્મચારીઓને જુની પેન્શન યોજના રદ કરી દેવામાં આવી છે. તેને બદલે નવી પેન્શન યોજના લાગુ કરવામાં આવી છે. ઉપરાંત કરાર આધારિત, ફિક્સ પગારથી કર્મચારીઓની ભરતી કરવામાં આવી રહી છે.તે પ્રથા બંધ કરવા તેમજ નવી પેન્શન યોજના રદ કરીને જુની પેન્શન યોજના લાગુ કરવાની માંગ કર્મચારીઓમાં ઉઠી છે. તાજેતરમાં રાજસ્થાન સરકાર અને મહારાષ્ટ્ર સરકારે જુની પેન્શન યોજના લાગુ કરવાની જાહેરાત કરી છે. જેને પરિણામે રાજ્યના વિવિધ સરકારી વિભાગમાં ફરજ બજાવતા સરકારી કર્મચારીઓના યુનિયનો અને મંડળો દ્વારા જુની પેન્શન યોજના લાગુ કરવા માંગ બુલંદ બની છે.
રાજ્યભરના પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષક સંઘ, કર્મચારી મંડળ સહિતનાં કર્મચારીઓ જુની પેન્શન લાગુ કરવાની માંગ કરી રહ્યા છે. જુની પેન્શન યોજનામાં કર્મચારીને અડધો પગારની સામે નવી પેન્શન યોજનામાં માસિક રૂપિયા 2500થી રૂપિયા 7500નું પેન્શન મળવા પાત્ર થાય છે. નિવૃત્તિ જીવનમાં આર્થિક રીતે દિવ્યાંગ બનાવતી નવી પેન્શન યોજના રદ કરીને જુની પેન્શન યોજના લાગુ કરવાની માંગણી સાથે રાષ્ટ્રીય ઓલ્ડ પેન્શન પુન:સ્થાપન સંયુક્ત મોરચાની આગેવાનીમાં સત્યાગ્રહ છાવણી ખાતે અલગ-અલગ વિભાગના હજારો કર્મચારીઓની મહાસભા યોજાઈ હતી.
આ અંગે મોરચાના પ્રચારક રાકેશ ઠક્કરે જણાવ્યું હતું કે, એક મહિના અગાઉ પણ સરકારને નવી પેન્શન યોજના રદ કરવાની માંગ કરાઈ હતી. પરંતુ આજદિન સુધી તે દિશામાં કોઈ કાર્યવાહી કરવામાં નહી આવતાં મહા સભા યોજીને સરકારની નીતિનો વિરોધ કરવા હજારોની સંખ્યામાં વિવિધ વિભાગના કર્મચારીઓ જોડાયા છે. જ્યાં સુધી માંગ નહીં સંતોષાય ત્યાં સુધી આ લડત આગામી દિવસોમાં વધુ ઉગ્ર કરી વિરોધ પ્રદર્શન ચાલુ રાખીશું.