પુલવામાથી મોટા ફિદાઈન એટેકનું એલર્ટ, લીલી ગાડીથી કાફલાને નિશાન બનાવવાનો જૈશ-એ-મોહમ્મદનો પ્લાન
પુલવામા એટેકમાં શહીદ થયેલા જવાનોના પરિવારોની આંખોના આંસુ હજી સુકાયા પણ નથી કે ત્યાં વધુ એક નવો ખતરો દસ્તક દઈ રહ્યો છે. ઈન્ટેલિજન્સ ઈનપુટ્સ પ્રમાણે, જૈશ-એ-મોહમ્મદ પુલવામાથી પણ મોટો હુમલો કરે તેવી શક્યતા છે. આ હુમલાની આગામી બેથી ત્રણ દિવસોમાં થવાની શક્યતા છે. તેના માટે કારની વ્યવસ્થા આતંકીઓ દ્વારા કરી લેવાના પણ ઈનપુટ્સ છે.
ગુપ્તચર એજન્સીઓને ઈનપુટ્સ મળ્યા છે કે ઉત્તર કાશ્મીરના ચૌકીબલ અને તંગધારમાં આઈઈડી બ્લાસ્ટ દ્વારા હુમલો કરવાની સાજિશ જૈશ-એ-મોહમ્મદ દ્વારા થઈ રહી છે.
તાજેતરના ઈનપુટ્સ મુજબ, ગુપ્તચર એજન્સીઓએ સુરક્ષાદળોને સતર્ક રહેવા માટે તાકીદ કરી છે. ઈનપુટ્સ પ્રમાણે, જૈશ-એ-મોહમ્મદના આતંકવાદીઓ દ્વારા એક ગાડીને પણ તૈયાર કરવામાં આવી છે અને તેના દ્વારા આઈઈડી બ્લાસ્ટ કરીને ફરીથી સુરક્ષાદળોના કાફલાને નિશાન બનાવવાની આતંકવાદીઓ વેતરણમાં છે.
આ હુમલા માટે એક લીલા રંગની સ્કોર્પિયોને તૈયાર કરવામાં આવી છે. જેથી પુલવામા એટેક જેવા ફિદાઈન હુમલાને પાર પાડી શકાય. જે મેસેજ ડિકોડ થયો છે, તેના પ્રમાણે ગત હુમલામાં 200 કિલોગ્રામ વિસ્ફોટકોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. પરંતુ હવેના હુમલામાં 500 કિલોગ્રામ વિસ્ફોટકનો ઉપયોગ કરવામાં આવે તેવી ભીતિ વ્યક્ત કરવામાં આવી છે.
આ સંદેશામાં કહેવામાં આવ્યું છે કે સેનાએ કાશ્મીરીઓને નિશાન બનાવવાનું બંધ કરવું જોઈએ. આ જંગ જૈશ-એ-મોહમ્મદ અને સેનાની વચ્ચે છે. જૈશ-એ-મોહમ્મદ લડવા માટે તૈયાર છે. મહત્વપૂર્ણ છે કે અન્ય એક ઈનપુટમાં એ વાતની જાણકારી મળી છે કે કેટલાક સ્થાનિક કાશ્મીરીઓને આતંકવાદી બનવા માટે તૈયાર કરાઈ રહ્યા છે. જણાવવામાં આવે છે કે સરહદ પારથી પાંચથી છ આતંકવાદી ઘૂસણખોરી માટે ગુરેજ સેક્ટર પાસે બેઠેલા છે અને નિર્દેશો પ્રમાણે તેઓ ભારતમાં દાખલ થવાની ફિરાકમાં છે.
મહત્વપૂર્ણ છે કે 14મી ફેબ્રુઆરીએ જૈશ-એ-મોહમ્મદના જ આતંકવાદીઓએ પુલવામામાં મોટો આતંકવાદી હુમલો કર્યો હતો. જેમાં સેનાના 44 જવાનો શહીદ થયા હતા. આ હુમલો જૈશ-એ-મોહમ્મદના આતંકવાદી આદિલ અહમદ ડારે કર્યો હતો. આદિલ એક ગાડી લઈને સીઆરપીએફના કાફલાની એક બસ સાથે અથડાયો હતો. જેને કારણે મોટો વિસ્ફોટ થયો હતો.