ગાંધીનગરઃ રાજ્યમા વસવાટ કરતી વિચરતી વિમુક્ત જાતિ દ્વારા ગાંધીનગરમાં મહાસંમેલનનુ આયોજન કરાયુ હતું. સેક્ટર 11 સ્થિત રામકથા મેદાન ખાતે સમાજના મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. વિચરતી વિમુક્તિ જનજાતિ (NT /DNT) એ ભાજપ સરકાર સામે પડતર માંગો પુરી કરવાનું 15 દિવસનું અલ્ટીમેટમ આપ્યું છે. વિચરતી વિમુકત જાતિએ 11 ટકા અલગ અનામત આપવાની પ્રબળ માંગણી કરી છે. રાજય સરકાર વિચારતી જાતિ ની માંગણીઓ પુરી નહીં કરે તો વિચારતી વિમુકત જાતિ ની 40 જાતિ ભારતીય જનતા પાર્ટી સાથેનો છેડો ફાડી મતદાન નહીં કરવાની ઉગ્ર ચેતવણી આપી છે.
ગાંધીનગરમાં રામકથા મેંદાનમાં વિચરતી વિમુક્ત જાતીનું મહા સંમેલન આયોજિત કરવામાં આવ્યું હતું. જે અંગે સમાજના આગેવાન રૂપસંગ ભાઈ ભરભડીયા એ પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે સમાજની વિચરતી વિમુકત જાતિની મુખ્ય બે માંગણીઓ છે. જેમાં દેવી પૂજક, ચુવાડિયા કોળી, રાવળ યોગી, લુહાર ,વણઝારા, નટ બજાણીયા, તુરી સહિત NT DNTમાં સમાયેલી 40 જનજાતિઓને OBC માટે ફાળવેલા 27 ટકા અનામતમાંથી સરકાર 11 ટકા અલગ અનામત આપે, જયારે બીજી માંગણી અંગે તેમણે કહ્યું કે આ અનામત અમલ શિક્ષણ, સરકારી નોકરી અને બંધારણીય જગ્યા ઉપર ચૂંટણી લડવા માટે પણ લાગુ પાડવામાં આવે. રાજ્યમાં વિચરતી વિમુક્તિ જાતિના લોકોની 1કરોડ 25 લાખ જેટલી વસ્તી હોવાનો દાવો કર્યો હતો. બીજી તરફ તેમણે કહ્યું કે ગત વિધાનસભા ચૂંટણી પૂર્વે ભાજપના રાષ્ટ્રીય આગેવાનો દ્વારા આ માંગણીઓ સંતોષવા ખાતરી આપી હતી. તેમ છતાંય 5 વર્ષ પછી પણ માંગણીઓ ન સતોષાતા મહાસમેલન બોલાવવાની ફરજ પડી છે. જો ભાજપની સરકાર વિચરતી વિમુક્ત જાતિ-સમાજની માગણી નહીં ઉકેલે તો ભાજપની વિરૂદ્ધમાં મતદાન કરવામાં આવશે.
વિચરતી વિમુક્ત સમાજના આગેવાન રૂપસંગભાઈએ વધુમાં જણાવ્યું હતું કે, આ બાબતે ભારત સરકારે મંજુરી આપી દીધી છે , પરંતુ રાજ્ય સરકારમાં હજુ પણ વિચારણા હેઠળ હોવાનું જણાવ્યું હતું.તેમણે ચેતવણી આપી હતી કે જો રાજ્ય સરકાર 15 દિવસમાં અમારી મુખ્ય માંગ નહિ સ્વીકારે તો વિચરતી જાતિ દ્વારા ભાજપથી છેડો ફાડવામાં આવશે. એટલું જ નહીં યોગ્ય નિર્ણય નહિ આપે તો ભાજપનો ખેસ દૂર કરીને આગામી વિધાનસભાની ચૂંટણીઓમાં ભાજપથી વિમુકત બની મતદાન નહીં કરવાની ચીમકી ઉચ્ચારી છે.