કાલિંદી એક્સપ્રેસ વિસ્ફોટ બાદ તપાસમાં બોગીમાંથી મળેલા પત્રએ સુરક્ષા એજન્સીઓમાં દોડધામ ઉભી કરી છે. જૈશ-એ-મોહમ્મદના એજન્ટના નામથી મળેલા પત્રમાં વડાપ્રધાન મોદીની રેલીમાં આરડીએક્સથી ભરેલા વાંસ લગાવવા અને શતાબ્દિ એક્સપ્રેસને નિશાન બનાવવા માટે દિલ્હી-કાનપુર રુટ પરના પુલને ઉડાવવાની વાત પણ પત્રમાં લખવામાં આવી છે. તેમાં સાડા પાંચ કરોડ રૂપિયા બોનસ તરીકે આપવાની વાત પણ કહેવામાં આવી છે.
આ જાસાચિઠ્ઠીમાં લખવામાં આવ્યું છે કે દિલ્હી-કાનપુર પર કાનપુરથી 30 કિલોમીટર પહેલા 27 ફેબ્રુઆરીએ એક પુલને બ્લાસ્ટથી ઉડાવાનો છે. દોઢ કિલોગ્રામ આરડીએક્સનો વિસ્ફોટ કરીને કાનપુર-દિલ્હી શતાબ્દિ એક્સપ્રેસને નિશાન બનાવવાની છે. આનંદવિહાર બસ સ્ટેશન પર એક દિવસ પહેલા વિસ્ફોટક આપી દેવામાં આવશે. આ જાસાચિઠ્ઠીમાં સૌથી ઉપર પેગામ અને જમણા ખૂણમાં 786 લખવામાં આવ્યું છે. તેની નીચે જૈશ-એ-મોહમ્મદ એજન્ટ લખવામાં આવ્યું છે.
આ જાસાચિઠ્ઠીની શરૂઆતમાં લખવામાં આવ્યું છે કે મીટિંગ કરીને આના સંદર્ભે તમામને અવગત કરવામાં આવ્યા છે.
આ જાસાચિઠ્ઠીમાં લખવામાં આવ્યું છે કે પીએમ મોદીના મંચને બોમ્બથી ઉડાવવાનો છે. તેના માટે બે કિલોગ્રામ આરડીએક્સ મંચ પર લગાવવામાં આવનારા વાંસના બામ્બુને કાપીને તેમા ભરી દેવામાં આવ્યો છે. આ કામ માટે સાડા પાંચ કરોડ રૂપિયા આપવામાં આવશે.
ડાયરીમાં મળ્યા કોડવર્ડ
તલાશી દરમિયાન તે બોગીમાંથી જ એક ડાયરી પણ એટીએસને હાથ લાગી છે. ડાયરીમાં મક્કડપુર ગામનું નામ લખવામાં આવ્યું છે. તેની સાથે અડધો ડઝનથી વધુ લોકોના નામ પણ લખવામાં આવ્યા છે. તપાસ અધિકારીઓનું કહેવું છે કે ડાયરીમાં નંબર ગેમમાં કેટલાક કોડવર્ડ પણ લખવામાં આવ્યા છે. તપાસ એજન્સીના અધિકારીઓ ડાયરીને કબજે લઈને કોડવર્ડ ડીકોડ કરવામાં લાગી ગયા છે.
જાસાચિઠ્ઠી મામલે એટીએસ કરી રહી છે તપાસ
એસએસપી અનંતદેવ તિવારીએ કહ્યુ છે કે જે પત્ર મળ્યો છે, તેની તપાસ એટીએસ કરી રહી છે. પત્ર દ્વારા આપવામાં આવેલી ધમકીઓને ગંભીરતાથી લેવામાં આવી છે. તમામ ઉચ્ચાધિકારોને જાણકારી આપવામાં આવી છે. જો કે કેટલાક અધિકારીઓનું કહેવું છે કે જે પ્રકારે પત્ર લખવામાં આવ્યો છે, તેનાથી તો આ કોઈ શરારત જેવું લાગી ર્હયું છે. તેમણે જણાવ્યું છે કે કાલિંદી એક્સપ્રેસમાં ઓછી તીવ્રતાનો વિસ્ફોટ થયો છે. આ મામલામા પોલીસની સાથે એટીએસએ તપાસ શરૂ કરી છે. પત્ર અને ડાયરી મળી છે. જે પણ તથ્ય સામે આવ્યા છે, તેના આધારે કાર્યવાહી કરવામાં આવશે. આ પ્રકરણમાં જીઆરપી ફર્રુખાબાદમાં મામલો દાખલ કરવામાં આવ્યો છે.
કાલિંદી એક્સપ્રેસમાં ઓછી તીવ્રતાનો વિસ્ફોટ
કાનપુરથી 40 કિલોમીટર દૂર બર્રાજપુર (શિવરાજપુર) રેલવે સ્ટેશન પર બુધવારે સાંજે કાલિંદી એક્સપ્રેસ (14723)ની જનરલ બોગીના ટોયલેટ પાસે વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટથી ટોયલેટ અને બેટરી બેકઅપ બોક્સ વિસ્ફોટથી નષ્ટ થયું હતું. જોરદાર અવાજને કારણે સ્ટેશન પર દોડધામ મચી ગઈ હતી. અહીં તપાસ દરમિયાન ઘટનાસ્થળ પાસે જ મળેલી એક પ્લાસ્ટિકની બેગમાં આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના એજન્ટના નામથી ધમકી ભરેલો પત્ર મળવાને કારણે મામલો ઘણો સંવેદનશીલ બની ગયો છે. એટીએસએ પ્રારંભિક તપાસમાં ઓછી તીવ્રતાના બોમ્બ વિસ્ફોટની આશંકા વ્યક્ત કર છે. તપાસ બાદ રાત્રે અગિયાર વાગ્યે અને છ મિનિટે ટ્રેનને રવાના કરી દેવામાં આવી હતી.
કાનપુર સેન્ટ્રલ સ્ટેશનથી સાંજે સાડા પાંચ વાગ્યે કાલિંદી એક્સપ્રેસ હરિયાણાના ભિવાની માટે રવાના થઈ હતી. સાંજે છ વાગ્યે અને 40 મિનિટે ટ્રેન બર્રાજપુર રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર એક પર પહોંચી હતી. ટ્રેન રોકાવાની ગણતરીની સેકન્ડો પહેલા જ સૌથી પાછળ લાગેલી જનરલ બોગીના ટોયલેટમાં વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટને કારણે ઘણાં લોકો બહાર ભાગવના ચક્કરમાં ઈજાગ્રસ્ત થયા હતા.
ઘટનાસ્થળે પહેલા જીઆરપી પહોંચી અને પછી શિવરાજપુર પોલીસની સાથે ડોગ સ્ક્વોર્ડ તથા ફોરેન્સિક ટીમે તપાસ શરૂ કરી હતી. ઘટનાસ્થળ પર પહોંચેલા એન્ટિ-ટેરરિસ્ટ સ્ક્વોર્ડના અધિકારીઓનું કહેવું છે કે પ્રારંભિક તપાસમાં બોગીમાં વિસ્ફોટકના અવેશષ મળ્યા છે. આશંકા વ્યક્ત કરવામાં આવી છે કે ફટાકડા અથવા ઓછી તીવ્રતાવાળા બોમ્બથી વિસ્ફોટ કરવામાં આવ્યો છે. જો કે તપાસ બાદ જ સ્પષ્ટપણે કોઈ તારણ નીકળી શકશે.
સીસીટીવી ફૂટેજની ચકાસણી
વિસ્ફોટ બાદ એટીએસ કાનપુર, અનવરગંજ, કલ્યાણપર અને બર્રાજપુર સ્ટેશન પરના સીસીટીવી ફૂટેજ એકત્રિત કરી રહી છે. પ્રવાસીએ જે શંકાસ્પદ વ્યક્તિને ટોયલેટની પાસે બેઠેલો જોયાની વાત કહી છે, ફૂટેજની મદદથી તેનું પગેરું દબાવવાની કોશિશ પણ હાથ ધરવામાં આવી છે. આના માટે અલગ ટુકડી બનાવવામાં આવી છે.
એટીએસની ટીમને બોગીમાં ટોયલેટની નજીકથી અડધી બોરી મીટ પણ મળ્યું છે. એટીએસએ તેને જપ્ત કર્યું છે. એટીએસ મીટની તપાસ કરાવી રહી છે.
આ ઘટના બાદ કાનપુરથી એટીએસની ટીમ ઈન્સ્પેક્ટરના નેતૃત્વમાં રવાના થઈ હતી. તો એટીએસના કાનપુર યૂનિટના સીઓ મનીષ સોનકર ઘટના વખતે ઝાંસીમાં હતા. તેઓ પણ મોડી રાત્રે ઘટનાસ્થળે પહોંચ્યા છે. તેમણે પોતાની ટુકડી સિવાય જીઆરપી અને પોલીસ સહીતના ફીલ્ડ યૂનિટ પાસેથી ઘટના સંદર્ભેની માહિતી એકત્રિત કરી છે.