નવી દિલ્હીઃ ભારતના ચાર વિમાનોને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી હતી. એર ઇન્ડિયાની દિલ્હીથી શિકાગો જતી ફ્લાઇટ પણ સામેલ છે. ફ્લાઇટમાં બોમ્બની સૂચના મળતા જ સુરક્ષા એજન્સીઓ એલર્ટ થઇ ગઇ હતી અને વિમાનનું કેનેડામાં ઇમરજન્સી લેન્ડિંગ કર્યું હતું. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર ચાર વિમાનોને ધમકી આપવામાં આવી હતી જેમાં એર ઇન્ડિયા એક્સપ્રેસના જયપુરથી અયોધ્યા થઇને બેંગલુરૂ જતી ફ્લાઇટ IX765, સ્પાઇસજેટની દરભંગાથી મુંબઇ જતી ફ્લાઇટ SG116, અકાસ એરની સિલીગુડીથી બેંગલુરૂ જતી ફ્લાઇટ QP 1373 અને એર ઇન્ડિયાની દિલ્હીથી શિકાગો જતી ફ્લાઇટ AI127 સામેલ હતી.
નવી દિલ્હીથી શિકાગો જતા એર ઇન્ડિયાના વિમાનમાં બોમ્બના સમાચાર મળ્યા હતા. બોમ્બના સમાચાર બાદ વિમાનને કેનેડામાં ડાયવર્ટ કરવામાં આવ્યું હતું. દિલ્હીથી શિકાગો જતી એર ઇન્ડિયાની ફ્લાઇટમાં બોમ્બની ધમકી મળી હતી. આ ફ્લાઇટ પર કોકનાડાના ઇકાલુઇટ એરપોર્ટ માટે ડાયવર્ટ કરવામાં આવી હતી. એર ઇન્ડિયાનું આ ઘટનાને લઇને નિવેદન પણ સામે આવ્યું હતું. એર ઇન્ડિયાએ કહ્યું કે, દિલ્હીથી શિકાગો જતી ફ્લાઇટ AI127માં બોમ્બની ધમકી મળી હતી. તે બાદ સાવચેતીના ભાગરૂપે ફ્લાઇટને કેનેડાના ઇકાલુઇટ એરપોર્ટ પર ઉતારવામાં આવી હતી.
એર ઇન્ડિયાએ નિવેદનમાં કહ્યું કે સુરક્ષા પ્રોટોકોલ અનુસાર ફ્લાઇટ અને મુસાફરોની તપાસ કરવામાં આવી રહી છે. મુસાફરોની મદદ માટે એરપોર્ટ પર એજન્સીઓને સક્રિય કરવામાં આવી છે. એર ઇન્ડિયા અને અન્ય એરલાઇન્સને તાજેતરના દિવસોમાં કેટલીક ધમકી મળી છે. જોકે, તપાસ દરમિયાન આ અફવા સાબિત થઇ છે. એર ઇન્ડિયાએ કહ્યું, એક જવાબદાર એરલાઇન ઓપરેટરના રૂપમાં ધમકીઓને ગંભીરતાથી લેવામાં આવે છે. મુસાફરોને પડેલી તકલીફ માટે દુ:ખ છે. એર ઇન્ડિયા આવી ધમકીઓ આપતા ગુનેગારોની ઓળખ કરવામાં અધિકારીઓના સંપર્કમાં છે. સાથે જ એરલાઇનને થયેલા નુકસાનની ભરપાઇ માટે કાયદેસરની કાર્યવાહી પર વિચાર કરવામાં આવશે.