રાહુલ ગાંધીને બોમ્બથી ઉડાડી દેવાની ધમકી, ગૃહ મંત્રાલયે વધારી સુરક્ષા
નવી દિલ્હી: મહારાષ્ટ્રની નાસિક પોલીસને ઈનપુટ મળ્યા છે કે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીને તેમના પિતા રાજીવ ગાંધીની જેમ બોમ્બથી ઉડાડી દેવામાં આવશે.
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ પર તેમની ભારત જોડો ન્યાય યાત્રા દરમિયાન બોમ્બથી હુમલો થવાની શક્યતા છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે ઈનપુટ મળ્યા બાદ રાહુલ ગાંધીના નિવાસસ્થાનની સુરક્ષા વધારી દીધી છે. તેની સાથે દિલ્હી પોલીસ, યુપી-મધ્યપ્રદેશ પોલીસને પણ રાહુલ ગાંધીની સુરક્ષા કડક કરવાના નિર્દેશ આપવામાં આવ્યા છે. હાલ રાહુલ ગાંધીને ઝેડ પ્લસ સુરક્ષા ઉપલબ્ધ થયેલી છે. તેમની ભારત જોડો ન્યાય યાત્રા 2 માર્ચે મધ્યપ્રદેશમાં પ્રવેશી રહી છે.
દિલ્હી પોલીસના વરિષ્ઠ અધિકારીએ કહ્યુ છે કે ગૃહ મંત્રાલયના આદેશ બાદ 24 અકબર રોડ ખાતેના તેમના નિવાસસ્થાનની સુરક્ષા વધારવામાં આવી છે. તેમના નિવાસસ્થાની આસપાસ પેટ્રોલિંગ વધારવામાં આવ્યું છે. સાદા કપડામાં પોલીસકર્મીઓની તહેનાતી કરાય છે.
સ્પેશયલ સેલના વરિષ્ઠ અધિકારી મુજબ, ગૃહ મંત્રાલયે મહારાષ્ટ્ર પોલીસ અને દિલ્હી પોલીસને ઈનપુટ્સની તપાસ કરવાનો આદેશ આપ્યો છે. બંને રાજ્યોની પોલીસ એ ભાળ મેળવી રહી છે કે રાહુલ ગાંધી પર હુમલાના જે ઈનપુટ મળ્યા છે, તે કેટલા ગંભીર છે. સ્પેશયલ સેલને તપાસમાં લગાવાય છે.
રાહુલ ગાંધીને હાલ ઝેડ પ્લસ સુરક્ષા છે. તેમાં સંબંધિત વ્યક્તિને 10થી વધુ એનએસજી કમાન્ડો અને પોલીસકર્મીઓ સહીત 55 ટ્રેન્ડ જવાનોનું સુરક્ષા કવચ ઉપલબ્ધ કરાવાય છે. આ તમામ કમાન્ડો 24 કલાક આ વ્યક્તિની ચારતરફ નજર રાખે છે. આ કમાન્ડોઝ માર્શલ આર્ટ્સના સ્પેશ્યાલિસ્ટ પણ હોય છે.