Site icon Revoi.in

અમદાવાદની શાળાઓને ધમકી ભર્યા ઈમેલ પાકિસ્તાનથી કરાયાં હતા, પોલીસ તપાસમાં ઘટસ્ફોટ

Social Share

અમદાવાદઃ અમદાવાદની 28થી વધુ શાળાઓને 6 મેના રોજ મોકલવામાં આવેલા ધમકીભર્યા ઈ-મેલના કેસમાં પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચનો દાવો છે કે, આવા તમામ ઈમેલ પાકિસ્તાનથી મોકલવામાં આવ્યા હતા. અગાઉ એવી શંકા હતી કે, ઈ-મેલમાં રશિયન ડોમેનનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

દિલ્હી બાદ અમદાવાદની શાળાઓને 6 મેના રોજ ધમકીભર્યા ઈ-મેઈલ મળ્યા બાદ ઘણી એજન્સીઓએ પોતપોતાના સ્તરે તેની તપાસ શરૂ કરી હતી. તપાસમાં કેન્દ્રીય એજન્સીઓની પણ મદદ લેવામાં આવી હોવાની માહિતી મળી રહી છે. ગુજરાતમાં મતદાનના એક દિવસ પહેલા 6 મેના રોજ અમદાવાદની 28થી વધુ શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યા ઈ-મેઈલ મોકલવામાં આવ્યા હતા.

ઈ-મેલમાં શરિયા કાયદો લાગુ કરવાની વાત કરવામાં આવી હતી. ઈ-મેઈલમાં કહેવામાં આવ્યું હતું કે, ‘ઈસ્તીશાદીઓ આખા શહેરમાં ફેલાઈ ગયા છે અને હુમલો કરવા માટે તૈયાર છે. જે લોકો પ્રતિકાર કરશે તેઓને તૌહીદના યોદ્ધાઓ દ્વારા મારી નાખવામાં આવશે. અમારો હેતુ ગુજરાતમાં શરિયા કાયદો સ્થાપિત કરવાનો છે. શરણ માટે અમારી પાસે આવો અથવા અમારા દ્વેષથી મૃત્યુ પામો. અમે તમારા જીવનને લોહીની નદીઓમાં ફેરવી દઈશું. તમામ ઈ-મેલ તૌહિદા વારિયરના નામે મોકલવામાં આવ્યા હતા.

ઈ-મેલની તપાસ દરમિયાન અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને તેમાં પાકિસ્તાની કનેક્શન મળી આવ્યું હતું. આ જ કારણ છે કે, ક્રાઈમ બ્રાન્ચ દાવો કરી રહી છે કે ઈ-મેલ પાકિસ્તાનથી મોકલવામાં આવ્યો હતો. ક્રાઈમ બ્રાન્ચના સૂત્રોના જણાવ્યા અનુસાર આમાં આઈએસઆઈની સંડોવણી હોવાની શક્યતા છે.

તપાસ એજન્સીનો દાવો છે કે, જો દિલ્હી અને અમદાવાદના ઈ-મેઈલ એક જ ડોમેનથી મોકલવામાં આવ્યા હોય તો તે પાકિસ્તાનથી મોકલવામાં આવે તેવી પૂરી શક્યતા છે. આ કેસ સાથે પાકિસ્તાનનું કનેક્શન જોડાયેલું હોવાથી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ પણ આ મામલે કેન્દ્રીય તપાસ એજન્સીઓની મદદ લેવાની તૈયારી કરી રહી છે. શરૂઆતમાં પોલીસ રશિયન કનેક્શનની વાત કરતી હતી, પરંતુ હવે નવા ઈનપુટ્સના આધારે અમદાવાદ પોલીસ દાવો કરે છે કે તેનું પાકિસ્તાની કનેક્શન છે, જેમાં આઈએસઆઈનો પણ હાથ હોઈ શકે છે.