થરા હાઈવે પર વડા નજીક પૂરફાટ ઝડપે આવેલી કારે બાઈકને અડફેટે લેતા બાઈકસવાર ત્રણનાં મોત
પાલનપુરઃ ગુજરાતમાં રોજબરોજ રોડ અકસ્માતના બનાવો વધી રહ્યા છે. જેમાં થરા હાઈવે પર વધુ એક અકસ્માત સર્જાયો હતો. થરા તરફથી વડા તરફ હાઈવે પર પૂરફાટ ઝડપે આવી રહેલી કારે બાઈકને અડફેટે લેતા બાઈકસવાર પતિ, પત્ની અને તેની માસિમ દીકરીનું મોત નિપજ્યું હતું. આ અકસ્માતને પગલે લોકો દાડી આવ્યા હતા. દરમિયાન પોલીસે પણ ઘટના સ્થળે પહોંચીને અકસ્માતનો ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી હતી.
રાજ્યમાં જેમ જેમ વાહનો વધતાં જાય છે એમ એમ અકસ્માતોના બનાવો પણ વધી રહ્યા છે. ચાલકની એક ભૂલ આખા પરિવારનો માળો વિખેરી નાખે છે. આવો જ અકસ્માત થરા નજીક સર્જાયો હતો. બનાસકાંઠાના થરાથી હાઈવે પર રોંગ સાઇડે આવતા કારચાલકે એક જ પરિવારના ત્રણ સભ્યોનો ભોગ લીધો હતો.
પોલીસ સૂત્રોમાંથી પ્રપ્ત માહિતી મુજબ ડીસાના માણેકપુરા ગામે રહેતા વેરસીજી વરસંગજી ઠાકોર કાંકરેજ તાલુકાના રૂની ગામે ભાગિયા તરીકે કામ કરે છે. તેઓ પોતાના ગામે પરિવાર સાથે મકાનના કામ અર્થે આવ્યા હતા, જ્યાં કામ પતાવીને ગત રોજ રૂની જવા માટે બાઇક લઇને પત્ની અને પુત્રી સાથે જઇ રહ્યા હતા. ત્યારે વડા ગામ નજીક આવતા થરા તરફથી રોંગ સાઈડમાં આવતી સ્વિફ્ટ કારના ચાલકે બાઇકને ટક્કર મારી હતી. કારે ટક્કર મારતાં 30 વર્ષીય વેરસીજી ઠાકોર, તેમનાં પત્ની ભાનુબેન ઠાકોર અને 6 વર્ષીય પુત્રી રાજલનું ઘટનાસ્થળે જ પ્રાણ પંખેરું ઊડી ગયું હતું. આ અકસ્માત એટલો ભયંકર હતો કે 200 મીટર જેટલા મૃતદેહો ઢસડાયા હતા. અકસ્માતની જાણ થરા પોલીસને થતાં મૃતદેહોને પીએમ માટે ખસેડીને મૃતકના પરિવારને જાણ કરતાં પરિવારજનો હોસ્પિટલ પહોંચ્યાં હતાં. પોલીસે કારચાલક વિરુદ્ધ આગળની કાર્યવાહી હાથ ધરી છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે, અકસ્માતમાં મૃત્યુ પામનારાં દંપતીને કુલ ત્રણ સંતાન છે. બે દીકરી અને એક દીકરો, જેમાં રાજલનું અકસ્માતમાં મોત થતાં હવે એક ભાઈ અને એક બહેને પોતાનાં માતા-પિતા અને એક બહેન ગુમાવતાં નોધારાં બન્યાં છે.