Site icon Revoi.in

પાલિતાણા નગરપાલિકાના ભાજપના ત્રણ સભ્યોએ આંતરિક ખટપટથી કંટાળીને આપ્યા રાજીનામાં

Social Share

ભાવનગરઃ જિલ્લાના પાલીતાણા નગરપાલિકાના ભાજપના ત્રણ નગરસેવકોએ અચાનક રાજીનામાં ધરી દેતા રાજકીય માહોલ ગરમાયો હતો. અને જિલ્લા ભાજપમાં ખળભળાટ મચી ગયો હતો. પાલીતાણા નગરપાલિકા વોર્ડ નંબર 1ના ત્રણ નગરસેવકોએ પાલીતાણા ડેપ્યુટી કલેક્ટર, ચીફ ઓફિસર તથા નગરપાલિકાના પ્રમુખને રાજીનામાં ધરી દીધા હતા. સતત પોતાના કામમાં વ્યસ્ત હોવાથી નગરસેવકોએ રાજીનામાં ધરી દીધા હોવાની ચર્ચા ચાલી રહી છે. પણ ભાજપના જ સ્થાનિક સૂત્રોના કહેવા મુજબ પક્ષની આંતરિક ખટપટને લીધે ત્રણેય કોર્પોરેટરોએ રાજીનામાં ધરી દીધા છે.

સૂત્રોના જણાવ્યા મુજબ પાલીતાણા નગરપાલિકાના ત્રણ-ત્રણ નગરસેવકોએ અચાનક રાજીનામા ધરી દેતા ભાજપમાં ખળભળાટ મચી ગયો હતો. પાલીતાણા નગરપાલિકામાં પ્રમુખ તરીકે શીલાબેન વસંતભાઈ શેઠ અને ઉપપ્રમુખ તરીકે મિલનભાઈ રાઠોડ છે, જોકે, છેલ્લા કેટલાક સમયથી ભાજપના કોર્પોરેટરોમાં અંદરો-અંદર વિખવાદ ચાલી રહ્યો છે. ત્યારે વોર્ડ નંબર. 1 ના ત્રણ કોર્પોરેટરો અજયભાઈ રાજુભાઈ જોષી, રોશનબેન રસુલભાઈ અબડા અને કિરણબેન ગોવિંદમલ કુકડેજાએ અચાનક જ લેખિતમાં ડેપ્યુટી કલેક્ટર, ચીફ ઓફિસર તથા નગરપાલિકાના પ્રમુખને રાજીનામું ધરી દીધું હતું.

સૂત્રોના ઉમેર્યુ હતું કે, પાલિતાણા નગરપાલિકામાં ભાજપના ત્રણ નગરસેવકે રાજીનામા આપતા જિલ્લાના રાજકારણમાં ખળભળાટ મચી ગયો હતો. ભાજપની સત્તા હોવા છતા કામગીરી ન થતા કોર્પોરેટરમાં રોષ જોવા મળ્યો. જો કામ ન થાય તો પ્રજા પાસે શું મોઢું લઈને જાય, અને પ્રજાના વિરોધનો સામનો કરવો પડે.  ત્યારે નગર પાલિકા કોર્પોરેટર અજયભાઈ જોષી, રોશનબેન અબડા, કિરણબેન કુકડેજાએ રાજીનામું આપ્યું હતું. આ ત્રણેય નગરસેવકો એક જ વોર્ડના છે,  હાલ ત્રણેય નગરસેવકોને મનાવવાના પ્રયાસો ચાલી રહ્યા છે.