Site icon Revoi.in

વાપીના રમઝાન વાડી વિસ્તારમાં વરસાદી પાણીથી ભરેલા ખાડામાં પડતા ત્રણ બાળકોનાં મોત

Social Share

વાપી: શહેરના રમઝાન વાડી વિસ્તારમાં આવેલા નેહા કોમ્પ્લેક્સમાં રહેતા પરિવારના ત્રણ બાળકો વરસાદી પાણીથી ભરાયેલા ખાડાંમાં પડતા ત્રણેય બાળકોના ડુબી જતાં મોત નિપજ્યા હતા. મૃતકોમાં સાત વર્ષીય હર્ષ તિવારી અને  રિધ્ધિ તિવારીનો સમાવેશ થાય છે. હર્ષ અને રિધ્ધિ બંને જુડવા ભાઈ બહેન હતા જ્યારે 9 વર્ષિય આરુષિ સોલંકી તેમની પડોશમાં રહેતી હતી. ત્રણેય બાળકોના મોતથી આ વિસ્તારમાં ભારે ગમગીની વ્યાપી ગઈ હતી.

વાપી શહેરના છેવાડે આવેલા રમઝાન વાડી વિસ્તારમાં વરસાદી પાણી ભરેલા ઊંડા ખાડામાં ડૂબી જતાં ત્રણ બાળકોના મોત નીપજ્યા હતા. મૃતકોમાં એક જ પરિવારના જુડવા ભાઈ બહેનનો સમાવેશ થાય છે. ઘટનાને કારણે સમગ્ર પંથકમાં ગમગીનીનો માહોલ છવાયો છે. બનાવની વિગત મુજબ વાપીના છેવાડે આવેલા છરવાડાના રમઝાન વાડી  વિસ્તારમાં આવેલા નેહા કોમ્પલેક્ષમાં રહેતા ત્રણ બાળકો બપોરથી ગુમ હતા. આથી પરિવારજનોએ તેમની શોધખોળ હાથ ધરી હતી આખરે રાત્રે  રમઝાનવાડી વિસ્તારમાં નજીક વરસાદી પાણી ભરેલા એક ખાડામાથી ત્રણેય બાળકોના મૃતદેહ ઊંડા ખાડામાંથી મળી આવ્યા હતા. આમ એક સાથે જ ત્રણ માસુમ બાળકોના મોતને કારણે સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી. મૃતકોમાં સાત વર્ષીય હર્ષ તિવારી અને 7 વર્ષીય રિધ્ધિ તિવારીનો સમાવેશ થાય છે. હર્ષ અને રિધ્ધિ બંને જુડવા ભાઈ બહેન હતા અને 9 વર્ષિય આરુષિ સોલંકી તેમની પડોશમાં રહેતી હતી. ત્રણ ત્રણ બાળકોના મોતને કારણે સમગ્ર પંથકમાં શોકની કાલિમા  છવાઈ ગઈ હતી. જેમાં તિવારી પરિવારના મૃતક જુડવા હર્ષ અને રિદ્ધિ ચાર ભાઈ બહેન હતા. જેમાં ત્રણ બહેનો વચ્ચે એકજ ભાઈ હતો.

પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, શહેરના રમઝાન વાડી વિસ્તારમાં આવેલા નેહા કોમ્પ્લેક્સમાં રહેતા પરિવારના ત્રણ બાળકો  બિલ્ડિંગના પાર્કિંગમાં રમી રહ્યા હતા. આ દરમિયાન બાળકો રમતા રમતા બિલ્ડીંગની નજીક આવેલા વરસાદી પાણી ભરેલા એક મોટા ખાડા નજીક પહોંચ્યા હતા. ખાડામાં વરસાદી પાણી ભરેલું હતું. જેમાં આ બાળકો ડૂબી ગયા હતા.

મૃતક રિદ્ધિ અને હર્ષની માતાના જણાવવા પ્રમાણે બાળકો નીચે રમતા હતા. ત્યારે એક કૂતરાને બિસ્કીટ ખવડાવવાની જીદ કરી તેઓ માતાને દુકાન લઈ જઈ અને ઉધારમાં બિસ્કીટનું પેકેટ લીધું હતું અને ત્યારબાદ રમતા રમતા તેઓ ખાડા સુધી પહોંચ્યા હતા અને ઘટના બની હતી. જોકે બાળકો આ ખાડામાં નહાવા પડ્યા હતા કે અકસ્માતે પડી જવાથી આ ઘટના બની છે તે હજુ સુધી જાણી શકાયું નથી. (File photo)