સુરતમાં સચિન વિસ્તારના તળાવમાં ત્રણ બાળકો ડુબ્યાં, બેના મૃતદેહ મળ્યાં
સુરતઃ શહેરના સચિન જીઆઈડીસી વિસ્તારના એક તળાવમાં 3 બાળક ડૂબી ગયાં હોવાની જાણ થતાં પોલીસ અને ફાયરના જવાનો દોડી આવ્યા હતા. મોડી રાત સુધી તળાવના પાણીમાં ગરકાવ બાળકોની શોધખોળ બાદ પણ ન મળતાં આજે સવારથી જ બોટ લઈ મૃતદેહ શોધવા તળાવમાં ઊતર્યા હતા. તળાવ કિનારે બાળકોનાં કપડાં મળી આવ્યાં બાદ તેઓ ડૂબી ગયાં હોવાની વાત બહાર આવતાં ફાયરે શોધખોળ હાથ ધરી હતા. ઘટનાના 10 કલાક બાદ બે બાળકોના મૃતદેહ મળી આવ્યા હતા. ફાયર વિભાગે પાણીમાં ગરકાવ થયેલા મૃતદેહને બહાર કાઢ્યા છે. બાળકોના મૃત્યુથી આ વિસ્તારમાં ગમગીની વ્યાપી ગઈ હતી.
સૂત્રોના જણાવ્યા મુજબ સુરતના સચિન વિસ્તારમાં આવેલા તળાવમાં ત્રણ બાળકો ડુબી ગયા હોવાનો પોલીસ અને ફાયર બ્રિગેડને મેસેજ મળતા ફાયરબ્રિગેડ અને પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. અને તળાવમાં તરવૈયાની મદદ લઈને શોધખોળ હાથ ધરાતા 10 કલાક બાદ ત્રણમાંથી બે બાળકોના મૃતદેહ મળી આવ્યા હતા. ત્રણેય બાળકોની ઉંમર 12, 13 અને 14 વર્ષનાં હોવાનું જાણવા મળ્યું છે. બાળકોનાં પરિવારજનો પણ તળાવ પર દોડી આવ્યાં હતાં. રાત્રે તળાવ કિનારેથી મળી આવેલાં કપડાં બાદ બાળકોની શોધખોળ માટે ફાયરની મદદ લેવામાં આવી હતી. ઘટનાને લઈ પરિવારજનો શોકમાં ડૂબી ગયાં છે.
સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, ફાયરના જવાનો અને અધિકારીઓ સવારથી જ તળાવમાં બોટ લઈને ઊતર્યા છે. તળાવના પાણીમાં ડૂબકી મારી બાળકોને શોધી રહ્યા છે. બાળકો ઉનની સિદિકનગર અને સાંઈનગર ઝૂંપડપટ્ટીનાં હોવાનું કહેવાઈ રહ્યું છે. બે બાળકોના મૃતદેહ મળી આવ્યા છે. જ્યારે હજુ એકની શોધખોળ ચાલી રહી છે.