Site icon Revoi.in

પાલનપુરના ખોડલા ગામ નજીક પ્રાગણમાં રમી રહેલા ત્રણ બાળકોને કારે અડફેટે લીધા, બેના મોત,

Social Share

પાલનપુરઃ બનાસકાંઠાના પાલનપુર તાલુકાના ખોડલા ગામ નજીક આવેલી ફેકટરીમાં કામ કરતાં શ્રમિકોના બાળકો ઘર આંગણે રમી રહ્યા હતા. ત્યારે પૂર ઝડપે આવેલી કારના ચાલકે સ્ટિયરિંગનો કાબુ ગુમાવતા કારે ત્રણ બાળકોને અડફેટે લીધા હતા. જેમાં એક બાળકનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. જ્યારે બીજા બાળકનું પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતુ. જ્યારે કિશોરીને ગંભીર ઇજા થતાં હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

આ બનાવની વિગતો એવી જાણવા મળી છે કે, દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના સીલાકોટાના શ્રમિકો પાલનપુર તાલુકાના ખોડલા નજીક કેટલ ફીડ ફીડ ફેકટરીમાં મજુરી કામ કરે છે, અને ફેકટરીમાં રહેતા હતા. દરમિયાન શ્રમિકોના બાળકો મંગળવારે સવારે 10.55 કલાકના સુમારે કેટલ ફીડના પ્રાંગણમાં રમતા હતા. ત્યારે પુરઝડપે આવેલી કાર નં. જીજે. 27. એ. એ. 0168ના ચાલકે પ્રાંગણમાં કાર ઘુસાડી દઇ સહદેવભાઇ સુરેશભાઇ ડામોર (ઉ.વ. 6), ચિરાગ જાનુભાઇ તડવી (ઉ.વ. 6) અને ધામાબેન દીપાભાઇ માવી (ઉ.વ. 18)ને ટક્કર મારી ફંગોળ્યા હતા. જેમાં સહદેવનું ઘટના સ્થળે મોત થયું હતુ. જ્યારે ચિરાગનું સારવાર દરમિયાન મોત થયું હતુ. અકસ્માત બાદ ચાલક કાર મુકીને નાસી છુટ્યો હતો. આ અંગે સુરેશભાઇ મણીલાલ ડામોરે કાર ચાલક સામે પાલનપુર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ  પાલનપુરના ખાડલા ગામ નજીક કેટલ ફીડનું બાંધકામ ચાલી રહ્યુ છે. તેની નજીક આવેલા ફેકટરીના સીસીટીવી કેમેરામાં અકસ્માતની ઘટના કેદ થઇ હતી. જેમાં પુરઝડપે આવેલી કાર પ્રાંગણમાં ઘુસી ત્યારે ધૂળના ગોટે ગોટા ઉડતાં જોઇ શકાય છે. શ્રમિક પરિવારના બાળકો કેટલ ફીડ આગળની ખુલ્લી જગ્યામાં ઝાડ નીચે રમી રહ્યા હતા. ત્યારે ધામાબેન દીપાભાઇ માવી તેમને પાણી આપવા ગઇ હતી. દરમિયાન અચાનક કાર ઘસી આવી હતી. અને ત્રણ બાળકોને ટક્કર મારી ફંગોળ્યા હતા. જેમાં બેના મોત થયા હતા. પોલીસે અકસ્માતનો ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે,