અમદાવાદઃ ગુજરાતના વડોદરામાં રેલવે સ્ટેશનના યાર્ડમાં ઉભેલી મેમુ ટ્રેનમાં અચાનક આગ લાગતા નાસભાગ મચી ગઈ હતી. ગણતરીની મિનિટોમાં જ આગ ટ્રેનના 3 ડબ્બામાં પ્રસરી ગઈ હતી. આ બનાવની જાણ થતા સ્થળ પર દોડી ગયેલી ફાયરબ્રિગેડની ટીમે ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો. સદનસીબે ટ્રેન યાર્ડમાં ઉભેલી હતી અને તેમાં કોઈ નહીં હોવાથી મોટી દૂર્ઘટના ટળી હતી. આ બનાવને પગલે રેલવેના ઉચ્ચ અધિકારીઓ અને પોલીસ અધિકારીઓ પણ સ્થળ પર દોડી ગયા હતા. ડબ્બામાં કેવી રીતે આગ લાગી તે જાણવા માટે એફએસએસની મદદ લેવામાં આવશે.
પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરાના રેલવેના નવા યાર્ડમાં રાતે મેમુ ટ્રેનને ઉભી રાખવામાં આવી હતી. દરમિયાન આજે સવારે અચાનક ટ્રેનના એક ડબ્બામાં આગ લાગી હતી. ત્યાર બાદ અન્ય બે ડબ્બામાં પ્રસરી હતી. આ બનાવની જાણ થતા વડોદરા રેલવે DRM, GRP, RPF સહિતના અધિકારીઓ તરત જ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આગની ઘટનાને પગલે ફાયરબ્રિગેડ અને પોલીસની ટીમ પણ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી. ફાયર વિભાગે પાણીનો મારો ચલાવીને ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવી લીધો હતો. આગનું કારણ હજુ અકબંધ છે.
પોલીસનાં જણાવ્યાં અનુસાર ટ્રેનનાં બંધ ડબ્બામાં આગ કઇ રીતે લાગી તે જાણવા માટે એફએસએલની મદદ લેવામાં આવશે.આ આગ વહેલી સવારે લાગી હતી. ત્યારે ત્યાં હાજર લોકોએ પાણી છાંટીને આગ બુઝાવવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ આગ એટલી વિકરાળ હતી કે ફાયર વિભાગની જહેમત બાદ જ આગ પર કાબુ મેળવાયો હતો.