રાજ્યમાં ત્રણ કરોડ જેટલા લોકોને મળી વેક્સિન, પણ ગામડામાં વેક્સિનેશનની પ્રક્રિયાને મોળો પ્રતિસાદ
અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. અમદાવાદ મેગાસિટીમાં એક સમયે રોજના 1500 કેસ નોંધાતા હતા તે ઘટીને હવે માત્ર પાંચ કેસ નોંધાઈ રહ્યા છે. બીજીબાજુ કોરોનાના સંભવિત ત્રીજા વેવના ભયને કારણે વેક્સિનની ઝૂંબેશ હાથ ધરવામાં આવી છે. અમદાવાદ, સુરત સહિત મહાનગરોમાં તો લોકો સામેથી વેક્સિન લેવા માટે લાઈનો લગાવી રહ્યા છે. પરંતુ ગામડાંઓ અને નાના શહેરોમાં હજુ પણ લોકો વેક્સિન લેવા માટે જાગૃત બન્યા નથી. પાટનગર ગાંધીનગરમાં તો 80 ટકા વેક્સિનની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે. ગુજરાતમાં વેક્સિન લેનારાની સંખ્યા ત્રણ કરોડને પાર કરી ગઈ છે.
સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાતમાં કોરોના રસીના ડોઝ લેનારાની લોકોની સંખ્યા 3 કરોડ 01 લાખ 46 હજાર 996 પર પહોંચી ગઈ છે. રસીકરણ માટે પાત્રતા ધરાવતા 18 થી વધુ ઉંમરના કુલ 4 કરોડ 93 લાખ 20 હજાર 903 લોકોમાંથી 47 ટકા લોકોને રસીકરણથી આવરી લેવાયા છે. રાજ્યમાં રસીનો પ્રથમ ડોઝ લેનારાની સંખ્યા 2,31,30,913 અને બંને ડોઝ લેનારાની સંખ્યા 70,16,083 પર પહોંચી. આમ રસીકરણ માટે પાત્રતા ધરાવતા લોકોમાંથી સમગ્ર તયા 47 ટકા લોકોને સિંગલ ડોઝ અપાઈ ગયો છે. રાજ્યના 2678 સરકારી અને 57 ખાનગી વેક્સીનેશન સેન્ટર મળીને કુલ 2732 વેક્સીનેશન સેન્ટર પરથી રસીના ડોઝ આપવાની કામગીરી કરવામાં આવી છે. ગઈ કાલે તા.20 જુલાઈએ રાજ્યમાં 4 લાખ 12 હજાર 499 લોકોનું રસીકરણ થયું હતું.