અમદાવાદઃ શહેરમાં દર વર્ષે યોજાતી પરંપરાગત રથયાત્રાને હવે એક મહિના કરતા ઓછો સમય બાકી રહ્યો છે. ત્યારે રથયાત્રાની આગોતરી તૈયારીઓ શરૂ દેવામાં આવી છે. રથયાત્રાના રૂટ પર ભયજનક મકાનોનો સર્વે કરવામાં આવ્યો હતો. અને ભયજનક મકાનો ઉતારી લેવા તેના માલિકોને એએમસી દ્વારા નોટિસ આપવામાં આવી હતી. દરમિયાન રાયપુર વિસ્તારમાં એક ભયજનક મકાનને મધ્યઝોન એસ્ટેટે ઉતારી લીધું હતું. અત્યાર સુધીમાં મ્યુનિ.એ ત્રણ જેટલાં ભયજનક મકાનને ઉતારી લીધાં છે. રથયાત્રાના રૂટ્સ પર પોલીસ પેટ્રોલિંગ પણ વધારી દેવામાં આવ્યું છે. જમાલપુર સ્થિત જગન્નાથ મંદિરથી સમગ્ર રથયાત્રાના રૂટ પર સેક્ટર 1ના એડિશનલ CP નિરજ બડગુજરે અધિકારીઓ અને પોલીસકર્મીઓ સાથે ફૂટ પેટ્રોલિંગ કર્યું હતું.
અમદાવાદ શહેરમાં અષાઢી બીજને દિને પરંપરાગત યોજાતી રથયાત્રાની આગોતરી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. મ્યુનિ.કોર્પોરેશન દ્વારા રથયાત્રા રૂટના તમામ ભયજનક મકાનનો સર્વે કરી, નોટિસ આપી દુરસ્ત કરાવવા સૂચના આપવાની સાથોસાથ જે મકાનો દુરસ્ત કરવામાં ન આવે તેને તોડી પાડવા કે તેટલો ભાગ ઉતારી લેવા મ્યુનિ.એ હાથ ધરેલી કવાયતમાં રાયપુરમાં આવેલા એક મકાનને ઉતારી લેવામાં આવ્યુ છે. શહેરના મધ્યઝોનના 310 જેટલાં ભયજનક મકાનો પૈકી રથયાત્રા રૂટ પર જ 285 મકાનોમાં 150 દરિયાપુરમાં, 79 ખાડિયા-2માં, 32 ખાડિયા-1માં જોવાં મળ્યાં છે. જ્યારે મ્યુનિ.એ 121 ભયજનક મકાનોના માલિકને નોટિસ આપી છે. શહેરના મધ્યઝોનમાં ભયજનક મકાનોના સર્વે માટે વધુ 4 કર્મચારીઓની ફાળવણી કરવા મ્યુનિ. કમિશનરે તરત જ જીડીએસટી બહાર પાડ્યો છે. જેમાં મધ્યઝોનની કચેરીમાં સિટી પ્લાનિંગ વિભાગ, એસ્ટેટ મધ્યકચેરી તથા પૂર્વઝોનમાંથી પણ કર્મચારીઓની નિમણૂંક કરાઇ છે.
શહેર પોલીસ દ્વારા પણ રથયાત્રામાં બંદોબસ્ત માટેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.ત્યારે જમાલપુર સ્થિત જગન્નાથ મંદિરથી સમગ્ર રથયાત્રાના રૂટ પર સેક્ટર 1ના એડિશનલ CP નિરજ બડગુજરે અધિકારીઓ અને પોલીસકર્મીઓ સાથે ફૂટ પેટ્રોલિંગ કર્યું હતું. શહેર પોલીસ દ્વારા રથયાત્રાને માટે એક્શન પ્લાન પણ તૈયાર કરાયો છે. જેમાં ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આ વર્ષે AI ટેક્નિકલોજીથી સજ્જ 360 ડિગ્રીવાળા 1 કિલોમીટરથી વધુની રેન્જ સુધી સ્પષ્ટ જોઇ શકાય તેવા કેમેરા રથયાત્રા રૂટ પર સૌથી ચાર સેન્સેટિવ પોઇન્ટ પર લગાવવા માટેની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.