Site icon Revoi.in

સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળ દ્વારા આયોજીત ત્રિ-દિવસીય “આંતરરાષ્ટ્રીય વેપાર મેળા”નો રાજકોટ ખાતે પ્રારંભ

Social Share

રાજકોટ: સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળ (SVUM) દ્વારા તા. ૧૧ થી ૧૩ ફેબ્રુઆરી સુધી એન.એસ.આઈ.સી. ગ્રાઉન્ડ, ૮૦ ફૂટ રોડ, રાજકોટ ખાતે આયોજિત ત્રિ-દિવસીય “આંતરરાષ્ટ્રીય વેપાર મેળા”નો પ્રારંભ મૂળ ભારતીય અને હાલ ઝિમ્બાબ્વેના ડેપ્યુટી મિનિસ્ટર ઓફ ઈન્ડસ્ટ્રીઝ એન્ડ કોમર્સ શ્રી આર.કે.મોદીના વરદ હસ્તે કરવામાં આવ્યો હતો.

આ તકે ઝિમ્બાબ્વેના શ્રી આર.કે.મોદીએ આ વેપાર મેળાના આયોજકોની પ્રશંસા કરતા ઝિમ્બાબ્વેમાં રહેલી ઉદ્યોગોની તકો અને સરકારની નીતિ જણાવી ઉદ્યોગકારોને રોકાણ કરવા આમંત્રિત કરી પ્રોત્સાહન પૂરું પાડતાં જણાવ્યું હતું કે, આવા આયોજનો થકી બંને દેશો વચ્ચેના સંબધો વધુ મજબૂત થશે.

ઝિમ્બાબ્વે વ્યવસાયિકો માટે ખુલ્લું છે. દેશમાં ઘણી તકો છે, ખાસ કરીને સ્માર્ટ એગ્રીકલ્ચર, એગ્રો-પ્રોસેસિંગ, કૃષિ ક્ષેત્ર, ખાણકામ અને ખનિજ ક્ષેત્રમાં સરકારની પ્રોત્સાહક નીતિના કારણે વિપુલ તકો છે, ત્યારે ઝિમ્બાબ્વેમાં વિવિધ શૃંખલાઓમાં રોકાણ કરવા માટે રોકાણકારો, વ્યવસાયિકોને આમંત્રણ આપું છું. આગામી એપ્રિલ ૨૦૨૪માં ઝિમ્બાબ્વે ખાતે યોજાનાર ઇન્ટરનેશનલ ટ્રેડ ફેરમાં આવવા માટે પણ તેમણે ઉદ્યોગકારોને આમંત્રણ પાઠવ્યું હતું.

આ પ્રદર્શનમાં પધારેલા ઝીમ્બાબ્વેના એમ્બેસેડર ડો. ચીપરે, યુગાન્ડાના હાઈ કમિશ્નર પ્રોફેસર જોયે કીકાકૂન્દા, રવાન્ડાના હાઈ કમિશ્નર મિસિસ જેકોલીન મુકાંગીરા, કોંગોના ટ્રેડ કાઉન્સેલ મિસ્ટર ગેબ્રિઅલ ઇટાઉં, બાંગ્લાદેશના કાઉન્સેલર મિસ્ટર એમડી અબ્દુલ વાડુહએ પોતાના દેશમાં રહેલી રોજગારીની તકો, સરકારની નીતિઓ, આવકનાં સ્ત્રોત સહિતની જાણકારી પૂરી પાડી વ્યવસાયિકોને વિદેશમાં રોકાણ કરવા પ્રોત્સાહિત કર્યા હતા.

સૌરાષ્ટ્રમાં આવવાથી હર્ષની લાગણી અનુભવતા ઝિમ્બાબ્વેનાં ઉદ્યોગપતિ મેતુંઝી નકોસાનાએ જણાવ્યું હતું કે, ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચેના વ્યાપારિક સંબંધો વધુ ગાઢ બને તે દિશામાં સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગમાં મંડળ દ્વારા આયોજિત એક્સપો ખૂબ ઉપયોગી અને મહત્વપૂર્ણ છે.

આ અવસરે સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળના પ્રમુખશ્રી પરાગ તેજુરાએ વિદેશથી પધારેલા તમામ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરી પ્રાસંગિક ઉદબોધન કરી વ્યવસાયિકોને આ પ્રદર્શનની મુલાકાત લેવા અનુરોધ કરતાં ઉમેર્યું હતું કે, નાના ઉત્પાદકોને પણ નિકાસ વેપારની તક મળે, તે માટે આંતરરાષ્ટ્રીય વેપાર મેળાનું આયોજન સમયાંતરે કરવામાં આવી રહ્યું છે.

નવા સ્ટાર્ટઅપ શરૂ થાય, તે માટે સરકાર ઉદ્યોગ નીતિને પણ ખૂબ આકર્ષક બનાવી રહી છે. બીજી તરફ વધુને વધુ નિકાસ થાય તે હેતુસર વિદેશી કંપનીઓને પણ રાજકોટ-સૌરાષ્ટ્રમાં આવકારમાં આવી રહી છે.

યુવા અગ્રણીશ્રી જય શાહએ પ્રાસંગિક ઉદબોધન કરતા જણાવ્યું હતું કે, સરકાર ઉદ્યોગોને વિકસિત કરવા દેશનું આયાત ભારણ ઘટાડી નિકાસ માટે વધુ પ્રોત્સાહન આપે છે, ત્યારે આવા મેળાઓમાં ઉદ્યોગકારોની મુલાકાત થાય અને દેશો વચ્ચે અરસ-પરસ વ્યાપારિક સંબંધો મજબૂત બને, તે દિશામાં કાર્ય હાથ ધરવામાં આવી રહ્યું છે.

આ પ્રદર્શનમાં મોરબી સિરામિક, જામનગર બ્રાસ પાર્ટસ, જેતપુર ટેક્ષટાઈલ, રાજકોટના મશીન ટૂલ્સ, ડીઝલ એન્જિન, સબમર્શીબલ પંપ, હાર્ડવેર, મીની ટ્રેક્ટર સહિતની મશીનરી, પ્રિન્ટીંગ જોબ, ઓટો મોબાઈલ એસેસરી, ફાર્મા પ્રોડક્ટ, કોસ્મેટિક પ્રોડક્ટ, એજ્યુકેશન અને મેડિકલ સર્વિસ, સોલાર એનર્જી, પ્લાસ્ટિક કિચનવેર, પ્લાસ્ટિક પ્રોડક્ટ સહિતનાં અનેકવિધ પ્રદર્શિત સ્ટોલની મુલાકાત ઝિમ્બાબ્વે, યુગાન્ડા, આફ્રિકા, અમેરિકા, બાંગ્લાદેશ સહિત ૧૦૦થી વધુ દેશના પ્રતિનિધિઓએ તેમની પ્રોડક્ટ રજૂ કરી હતી.