અમદાવાદઃ જુનાગઢના કેશોદમાં નવાબના સમયથી ઍરપૉર્ટ બનાવેલું છે. પરંતુ કેટલાક કારણોસર વર્ષો સુધી આ ઍરપૉર્ટ પર ફ્લાઇટની અવર-જવર બંધ હતી. પરંતુ છેલ્લાં અઢી વર્ષથી આ ઍરપૉર્ટ ફરી શરુ કરવામાં આવ્યું છે. હવે કેશોદની વિમાની સેવામાં વધારો કરવાના સમાચાર પ્રાપ્ત થયા છે. પહેલા અહીં ફક્ત કેશોદથી મુંબઈની ફ્લાઇટ મળતી હતી, પરંતુ કેન્દ્ર સરકારની ઉડાની યોજના હેઠળ કેશોદ ઍરપૉર્ટ પરથી 29 ઑક્ટોબરથી સપ્તાહમાં ત્રણ દિવસની ફ્લાઇટ સેવા શરુ થઈ છે.
અમદાવાદથી આ ફ્લાઇટ સવારે 10:10 મિનિટે ઉપડશે
પ્રાપ્ત સમાચાર મુજબ હવે થી મુસાફરો અમદાવાદ-કેશોદ-દીવની ફ્લાઇટ અઠવાડિયાના મંગળવાર, ગુરુવાર અને શનિવાર એમ ત્રણ દિવસ મેળવી શકેશે અમદાવાદથી આ ફ્લાઇટ સવારે 10:10 મિનિટે ઉપડશે જે સવારે 10:55 કલાકે કેશોદ પહોંચાડશે. ત્યારબાદ આ ફ્લાઇટ કેશોદથી દીવ માટે રવાના થશે. બાદમાં તે બપોરે 3:55 કલાકે દીવથી ઉપડી ફરી કેશોદ આવશે. ત્યાંથી બપોરે 4:20 મિનિટે ઉડાન ભરશે અને 5:10 વાગ્યે અમદાવાદ પહોંચશે. સરકારના આ નિર્ણયથી સોમનાથ મહાદેવ જતા શ્રદ્ધાળુઓ ખુશખુશાલ છે.
રોજગારી વધે તેને ધ્યાને લઈ આ નિર્ણય લેવામાં આવ્યો
વધુમાં જૂનાગઢ-ગિરનાર તેમજ આસપાસમાં આવેલાં સોમનાથ, માધવપુરા જેવા ધાર્મિક સ્થળો તેમજ ગીર અભયારણ્યમાં સિંહ દર્શન, ચોરવાડ હોલિડે કેમ્પ, દીવ સહિતના પર્યટન સ્થળોને પ્રોત્સાહન આપવા અને વેપાર-ધંધા તેમજ રોજગારી વધે તેને ધ્યાને લઈ આ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય બહાર કે વિદેશ જતાં મુસાફરોની સરળતા માટે અઠવાડિયામાં ત્રણવાર એરલાઇન્સ એર એટીઆર 72 વિમાન અમદાવાદ-કેશોદ-દીવની ઉડાન ભરશે. તે ઉપરાંત સોમનાથ ટ્રસ્ટ તરફથી કેશોદ વિમાનમથક પર ઉતરતાં યાત્રિકો અને શ્રદ્ધાળુઓને ઉત્કૃષ્ટ આતિથ્ય અનુભવ આપવા માટે સોમનાથ ટ્રસ્ટ દ્વારા નિ:શુલ્ક એસી પીક-અપ બસ સેવા શરુ કરવામાં આવી છે.
કેશોદ-મુંબઈ વચ્ચેના ફ્લાઇટની ફ્રિક્વન્સીમાં પણ વધારો કર્યો
આ સેવા મુંબઈ-કેશોદ ફ્લાઇટ અને નવી શરુ કરવામાં આવેલી અમદાવાદ-કેશોદ ફ્લાઇટમાં આવનાર યાત્રાળુઓને આરામદાયક અને સુગમ મુસાફરીનો અનુભવ આપશે. વધુ માં સરકારે કેશોદ-મુંબઈ વચ્ચેના ફ્લાઇટની ફ્રિક્વન્સીમાં પણ વધારો કર્યો છે. પહેલાં કેશોદથી મુંબઈ જવા અઠવાડિયામાં ત્રણ દિવસ ફ્લાઇટ મળતી હતી, જે હવે ચાર દિવસ મળશે. કેશોદથી મુંબઈ જતી ફ્લાઇટ હવે રવિવાર, સોમવાર, બુધવાર અને શુક્રવારે મળશે. કેશોદ ઍરપૉર્ટ ઓથોરિટીના જણાવ્યા અનુસાર, મુંબઈ જતાં પ્રવાસીઓની સંખ્યામાં વધારો નોંધાતા 72 મુસાફરોની કેપેસિટી સાથે આ ફ્લાઇટ શરુ કરવામાં આવી છે.