- જયપુરમાં ભાજપની ત્રણ દિવસીય ઉચ્ચ સ્તરીય બેઠક યોજાશે
- PM મોદી વર્ચ્યુઅલ રીતે થશે સામેલ
- ચૂંટણીને લઈને બનાવાશે રણનીતિ
જયપુર: રાજસ્થાન વિધાનસભા ચૂંટણી માટે ભાજપે તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ માટે ભાજપ રાજધાની જયપુરમાં 19 મેથી ત્રણ દિવસીય રાષ્ટ્રીય સ્તરની બેઠકનું આયોજન કરવા જઈ રહી છે. આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલ રીતે હાજરી આપશે અને ભાષણ આપશે. બેઠકમાં રાજસ્થાન સહિત અનેક રાજ્યોમાં આગામી વિધાનસભાની ચૂંટણીની રણનીતિ પર ચર્ચા કરવામાં આવશે. 19 થી 21 મે દરમિયાન યોજાનારી આ બેઠક ત્રણ કે ચાર સત્રમાં યોજાશે.
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા 19 મેના રોજ સાંજે જયપુર પહોંચવાના છે. તેઓ 20 મેના રોજ રાષ્ટ્રીય સ્તરના ઉપાધ્યક્ષ, મહાસચિવ, સચિવ અને પ્રવક્તા સાથે બેઠક કરશે. તેઓ બીજા દિવસે એટલે કે 21 મેના રોજ પાર્ટીના પ્રદેશ પ્રમુખો અને રાજ્ય મહાસચિવો સાથે બેઠક પણ કરવાના છે.
બીજેપી સૂત્રોના જણાવ્યા અનુસાર, વડા પ્રધાન નરેન્દ્ર મોદી 20 મેના રોજ વર્ચ્યુઅલ રીતે સભાને સંબોધશે. આ દિવસે પાર્ટીની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક પણ યોજાશે. પાર્ટીના એક વરિષ્ઠ નેતાએ જણાવ્યું કે, બેઠકનો એજન્ડા મુખ્યત્વે આગામી વર્ષની રાજસ્થાન વિધાનસભા ચૂંટણી અને આગામી 2024ની લોકસભા ચૂંટણી છે. આ બેઠક દરમિયાન મોદી સરકારના આઠ વર્ષની ઉજવણી પણ કરવામાં આવશે. બેઠકમાં સંગઠનાત્મક મુદ્દાઓ પર પણ ચર્ચા થવાની છે.