રાજકોટઃ શહેરના કાલાવડ રોડ પર મેટોડા જીઆઈડીસી નજીક ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં એસટી બસ અને કાર વચ્ચે અકસ્માત સર્જાતા 3 લોકોના મોત નિપજ્યા હતા. જ્યારે બે લોકો ગંભીર રીતે ઘાયલ થતા તેને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે મૃતકો પારૂલ યુનિવર્સિટી સંચાલિત રાજકોટના ગોંડલ રોડ પર આવેલી હોમિયોપેથી મેડિકલ કોલેજના સ્ટુડન્ટ હતા. મૃતક નિશાંત દાવડા, આદર્શ ગોસ્વામી અને ધાગધરીયા ફોરમ ખીરસરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની વિઝીટમાં ગયા હતા
સૂત્રોના જણાવ્યા મુજબ રાજકોટ કાલાવડ રોડ હાઇવે પર મેટોડા જીઆઈડીસી નજીક બપોરના 1 વાગ્યા આસપાસ એસટી બસ અને મોટર કાર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં કુલ 3 લોકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. જ્યારે 2 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવા આવ્યા હતા. અકસ્માત એવો વિચિત્ર હતો કે, કાર બસની આગળના ભાગમાં અંદર ઘુસી ગઇ હતી જેને બહાર કાઢવા માટે JCBની મદદ લેવી પડી હતી અને JCBની મદદથી કારને બસ નીચેથી બહાર કાઢી મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા.
રાજકોટથી રજૂણાની ST બસ કાલાવડ તરફ જતી આ સામે પુરપાટ ઝડપે સફેદ કલરની હોન્ડા અમેઝ કાર બસ સાથે અથડાઇ હતી અને કારની ઝડપ વધુ હોવાના કારણે તે બસની નીચેના ભાગમાં ઘુસી ગઇ હતી જેના કારણે કારમાં સવાર કાર ચાલક સહિત 3 લોકોના મોત નિપજ્યા હોવાનું સામે આવ્યું છે. ત્યારે અકસ્માત પગલે હાઇવે પર એક તરફ રસ્તા પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા અને પોલીસ સ્થળ પર પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.