મહેસાણા: ગુજરાતના નેશનલ તેમજ રાજ્ય હાઈવે પર અકસ્માતો વધતા જાય છે. આજે મહેસાણા જિલ્લામાં વધુ એક અકસ્માત સર્જાયો હતો. જેમાં ખેરાલુ તાલુકાના ગોરીસણા પાસે રિક્ષા અને ઇકો કાર વચ્ચે અકસ્માત સર્જાતા ત્રણ લોકોના મોત નિપજ્યા હતા. જેમાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે તો અન્ય બે વ્યક્તિઓનાં સારવાર દરમિયાન મોત નિપજ્યા હતા. પોલીસે આ અંગેનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી. ત્રણેય મૃતકો ખેરાલું બાળાપીરના ઠાકોર વાસનાં રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે.
પોલીસ સૂત્રોમાંથી આ અકસ્માતની વિગતો એવી જાણવા મળી છે. કે, મહેસાણાના ખેરાલુના ગોરીસણા નજીક રિક્ષા અને ઈકો કાર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં 3ના મોત નિપજ્યા હતા. રિક્ષામાં બેઠેલા અન્ય કેટલાક મુસાફરોને ઈજા પહોચી હતી. જેમને વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં મોકલાયા છે. અકસ્માતમાં રિક્ષાચાલક, તેના પિતા અને માતાનું મોત નિપજ્યું હતુ. મૃતકો ખેરાલુ બાળાપીરના ઠાકોરવાસના રહેવાસી છે.
આ અંગે મળતી માહિતી પ્રમાણે, ખેરાલુ તાલુકાના ગોરીસણા નજીક રિક્ષા અને ઇકો કાર વચ્ચે અકસ્માત સર્જાયો છે. સ્થળ પર જ ભાવેશ ઠાકોરનું મોત નીપજ્યુ હતુ. જ્યારે હીરાબેન ઠાકોર અને રમેશજી ઠાકોરનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતુ. આ ત્રણેય મૃતકો ખેરાલું બાળાપીરના ઠાકોર વાસનાં રહેવાસી છે. આ મોતના સમાચાર આવતાની સાથે આખા ઠાકોરવાસમાં સન્નાટો છવાઇ ગયો હતો રિક્ષામાં બેઠેલા બીજા ઈજાગ્રસ્તોને સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવ્યા છે. અકસ્માતના બનાવની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. દરમિયાન આજુબાજુના લોકો પણ દોડી આવ્યા હતા, અને ઈજાગ્રસ્તોને 108 દ્વારા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા.