અમરેલીઃ રાજ્યમાં ઘોરી માર્ગો પર રોજબરોજ અકસ્માતનું પ્રમાણ વધતું જાય છે. ત્યારે ધારી નજીક લકઝરી બસ અને એમ્બ્યુલન્સ વચ્ચે અકસ્માત સર્જાતા દર્દી સહિત ત્રણ વ્યક્તિઓના મોત નિપજ્યા હતા. અકસ્માતની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો,
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ અમરેલી જિલ્લામાં ધનતેરસના દિવસે ગંભીર અકસ્માત સર્જાયો હતો. એમ્બ્યુલન્સ અને ખાનગી બસ વચ્ચે અકસ્માત સર્જાતા એક દર્દી સહિત ત્રણ લોકોના મોત થયા હતા. જ્યારે એક વ્યક્તિને ગંભીર ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્ત વ્યક્તિને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો ધારીથી ખાનગી એમ્બ્યુલન્સ દર્દીને લઈ અમરેલી તરફ જઈ રહી હતી. ત્યારે હીંગલાજ મંદિર નજીક ખાનગી બસ અને એમ્બ્યુલન્સ વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 3 લોકોના મોત નિપજ્યા હતા.
આ અકસ્માતમાં ખાનગી એમ્બ્યુલન્સનો કચ્ચરઘાણ નીકળો ગયો હતો. બસ પણ રોડ નીચે ઉતરી ગઈ હતી. આ બસ મુંબઈ તરફ જઈ રહી હતી ત્યારે ધારી નજીક જ બસ અકસ્માતનો ભોગ બની હતી. જોકે, બસમાં સવાર તમામ લોકોનો આબાદ બચાવ થયો હતો. જ્યારે એમ્બ્યુલન્સમાં સવાર ત્રણ લોકોના મોત થયા હતા. જેમાં દર્દી વિશાલભાઈ ધીરૂભાઇ જોશી અને એમ્બ્યુલન્સ ડ્રાઇવર મહેશભાઈ તેમજ શશીકાંતભાઈ હસમુખભાઈ રાજ્યગુરુના ગંભીર રીતે ઇજાઓને પગલે મોત નિપજ્યા હતા. દિવાળી તહેવારના સમયે જ અકસ્માત થતા પરિવારમાં માતમ છવાયો હતો.
આ ઘટનાની જાણ થતાં ધારી પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. અકસ્માત કેવી રીતે સર્જાયો તેને લઈ પોલીસે તપાસ શરૂ કરી છે. તેમજ અલગ-અલગ લોકોની પૂછપરછ શરૂ કરવામાં આવી છે. પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી.