માંડવીના બીચ પર નહાવા પડેલા મહિલા સહિત ત્રણ દરિયામાં ડૂબ્યા, એકનું મોત, બેને બચાવી લેવાયા
ભૂજઃ કચ્છના માંડવીના બીચ પર ઉનાળાના વેકેશનને લીધે રોજબરોજ અનેક પ્રવાસીઓ ફરવા માટે આવી રહ્યા છે. ઘણા પ્રવાસીઓ માંડવીના રેતાળ બીચ પરથી નહાવા પડતા હાય છે. દરમિયાન બપોરના ટાણે મુન્દ્રાથી માંડવી બીચ પર ફરવા આવેલા પરિવારના ત્રણ સભ્યો દરિયાંમાં નહાવા પડ્યા હતા.અને થોડે દુર સુધી જઈને દરિયાઈ મોઝા સાથે ઉછળીને નહાવાનો આનંદ માણતા હતા ત્યારે એકાએક આવેલું મોટું મોઝું એક મહિલા સહિત ત્રણેયને દરિયામાં ખેંચી ગયું હતું. દરમિયાન ત્રણેય વ્યક્તિઓ બચાવો બચાવોની બુમો પાડવા લાગ્યા હતા. જેમાં મહિલા સહિત બે વ્યક્તિને સ્થાનિક બોટ દ્વારા બચાવી લેવાયા હતા. જ્યારે 18 વર્ષનો યુવક ભરતીના પાણીમાં તણાઈ ગયા બાદ વધુ પડતું પાણી પી જવાથી મોત નિપજ્યું હતું. આ મામલે માંડવી પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુતપાસ હાથ ધરી હતી..
સૂત્રોના જણાવ્યા મુજબ કચ્છના માંડવી બીચ છીછરો અને રેતાળ હોવાથી પર્યટન સ્થળ તરીકે જાણીતો બન્યો છે. રોજબરોજ અનેક પ્રવાસીઓ માંડવી બીચ પર આવી રહ્યા છે. હાલ ઉનાળું વેકેશનનો સમય છે. ત્યારે પ્રવાસીઓમાં વધારો થઈ રહ્યો છે.ગુજરાતના 1600 કિલોમીટર દરિયામાં અનેક એવા બીચ આવેલા છે, જે સહેલાણીઓ માટે હોટફેવરિટ છે. તેમાંનો એક છે કચ્છનો માંડવી બીચ. દરિયામાં નહાતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન રાખવામાં ન આવે તો આ દુર્ઘટના બની શકે છે. માંડવીના દરિયાકિનારે નહાવાની મજા લઈ રહેલા મહિલા સહિત ત્રણ વ્યક્તિઓ ડૂબ્યા હતા. જેમાં એકનું મોત નિપજ્યું હતું. તો બે લોકોને સ્થાનિકોએ બચાવી લીધા હતા.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ માંડવીનો વિંડ ફાર્મ બીચ પ્રવાસીઓ માટે ઘાતક સાબિત થયો હતો. મુન્દ્રા ખાતેથી બહેન બનેવી સાથે માંડવી દરિયા કિનારે ફરવા આવેલો 18 વર્ષીય હિતેશ કારું બારોટ નામનો નવયુવાન દરિયામાં નહાતી વખતે દરિયાની મોટી લહેરમાં તણાઈ ગયો હતો. આ સાથે તેમના બહેન બનેવી પણ સમુદ્રી લહેરોમાં તણાઈ ગયા હતા. જેમને પ્રવાસીઓના આનંદ માટે બોટ ચલાવતા ધંધાર્થીઓએ બચાવી લીધા હતા જ્યારે ઊંડા પાણીમાં ગરક થઈ ગયેલા યુવકનું વધુ પડતું પાણી પી જવાથી મોત નિપજ્યું હતું. બનાવના પગલે બીચ ખાતે ગમગીનીનો માહોલ છવાઇ ગયો હતો. માંડવી પોલીસે હાલ પ્રાથમિક નોંધ કરી અકસ્માતની રૂહે આગળની તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માતે મોતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.