ધરોઈ ડેમમાં પાણીની સપાટીમાં ત્રણ ફુટનો વધારો, 41388 ક્યુસેસની આવક
અમદાવાદઃ બીપરજોય વાવાઝોડાને લીધે ઉત્તર ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. તેમજ વાવાઝોડું રાજસ્થાન તરફ જતા ત્યાં પણ વરસાદી માહોલ જામ્યો હતો. આમ ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ધરોઈ ડેમમાં પાણીની નવી આવક શરૂ થઈ છે. છેલ્લા ત્રણ દિવસથી ધરોઈ ડેમની જળ સપાટીમાં સતત વધારો જોવા મળ્યો હતો. હાલ 41388 ક્યુસેકની આવક થતાં પાણીની સપાટીમાં ત્રણ ફૂટનો વધારો થયો છે. હાલ 50 ક્યુસેક પાણી સાબરમતી નદીમાં છોડવામાં આવી રહ્યું છે.
ઉત્તર ગુજરાતમાં આવેલા સતલાસણા તાલુકાના ધરોઈ ડેમમાં આવતું પાણી અન્ય જિલ્લાઓને પણ સિંચાઇ અને પીવા માટે આશીર્વાદરૂપ છે. ત્યારે ઉપરવાસમાં પડેલા વરસાદને કારણે ત્રણ દિવસથી નવા નીર આવી રહ્યા છે. નવા નીર આવતા સમગ્ર પંથકમાં ખુશીની લહેર છવાઈ હતી. ધરોઈ ડેમમાં પાણીની આવકમાં સતત વધારો નોંધાઇ રહ્યો છે. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદ પગલે ડેમમાં 41,388 ક્યુસેક પાણીની આવક નોંધાઇ છે. છેલ્લા બે દિવસમાં 8 ટકા પાણીના જથ્થામાં વધારો જોવા મળી રહ્યો છે. ડેમમાં 48.89 ટકા પાણીનો જથ્થો હાલમાં નોંધાયો છે. છેલ્લા બે દિવસમાં 3 ફૂટનો વધારો થતાં 606.36 ફૂટ જળ સપાટી હાલ નોંધાઇ છે. હાલમાં 50 ક્યુસેક પાણીની સાબરમતી નદીમાં જાવક જોવા મળી રહી છે.
ધરોઈ ડેમની કુલ સપાટી 189.59 મીટર અને 622 ફૂટ છે ત્યારે હાલની સપાટી 183.910 મીટર અને 603.37 ફૂટ છે.ગઈ કાલે 16 તારીખ રાત્રે 10 કલાકે પાણીની 12222 ક્યુસેક નોંધાઇ હતી. જ્યારે ડેમમાંથી 50 ક્યુસેક પાણી છોડવામા આવી રહ્યું છે. હાલમાં ડેમમાં પાણીનો જથ્થો 41.76% છે. તેમજ હજુ પણ પાણીની આવક ચાલુ છે. (file photo)