- U N મહેતા ફાઉન્ડેશનના સહયોગથી બગીચાઓ ડેવલપ કરાશે,
- બગીચાઓનું નિયંત્રણ AMC પાસે રહેશે,
અમદાવાદઃ શહેરની વિવિધ વિસ્તારોમાં મ્યુનિ.કોર્પોરેશન સંચાલિત 280 જેટલા બગીચાઓ છે. તમામ બગીચાઓમાં મ્યુનિ દ્વારા બાળકો માટે રમત-ગમતના સાધનો મુકવામાં આવ્યા છે. વૃક્ષોથી આચ્છાદિત એવા બગીચાઓમાં શહેરના નાગરિકો શાંતિની પળો વિતાવવા માટે જતાં હોય છે. હાલ તમામ બગીચાના સાર સંભાળ અને મેન્ટેનન્સની જવાબદારી અમુલ કંપની પાસે છે. જોકે, મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હવે અન્ય સંસ્થાઓને પીપીપી ધોરણે બગીચાઓ ડેવલોપ કરવા માટે આપવામાં આવી રહ્યા છે. જેમાં શહેરના વાસણા, જોધપુર અને ગોતા વિસ્તારના ત્રણ બગીચાઓને યુ.એન. મહેતા ફાઉન્ડેશનને ડેવલોપમેન્ટ કરવા માટેની મંજૂરી આપવામાં આવી છે.
એએમસીના રિક્રિએશન કમિટી ચેરમેન જયેશ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બનાવવામાં આવેલા બગીચાઓમાંથી હવે નવા બગીચા બનાવવા અને હયાત બગીચાઓને રિ- ડેવલોપમેન્ટ તેમજ મેન્ટેન કરવા માટે પીપીપી ધોરણે ફાળવવામાં આવી રહ્યા છે. યુ.એન.મહેતા ફાઉન્ડેશનને સાયન્સ સિટી રોડ પર ગુલમહોર વિલાની બાજુમાં, જોધપુર ઔડા ગાર્ડન, આનંદિનકેતન સ્કૂલની પાસે તેમજ વાસણા જીવરાજ મહેતા હોસ્પિટલ પાસે આવેલા સ્વ. હરેન પંડયા ગાર્ડનને પીપીપી ધોરણે ડેવલોપ કરવા માટે મંજુરી આપવામાં આવી છે. આ બગીચાને મેન્ટેન કરવાની અને સાર સંભાળ કરવાની તમામ જવાબદારી યુએન મહેતા ફાઉન્ડેશનની રહેશે. બગીચાને ડેવલપ કરી બગીચા- બગીચાનાં પ્લોટમાં સુંદરતા વધારવી તેમજ બગીચાની જાળવણી કરવાની સામે કોઈ પણ પ્રકારનાં ભાડુઆતના કે પ્રોપરાઈટર હકકો કે અન્ય કોઈ હકકો મળી શકશે નહીં. બગીચાનાં જે તે પ્લોટ પરનું નિયંત્રણ અને માલિકી સંપૂર્ણપણે AMCની રહેશે. કંપનીએ બગીચા સવારે 6થી રાતે 10 સુધી બગીચો તમામ જાહેર જનતા માટે ખુલ્લો રાખવાનો રહેશે.
સૂત્રોના કહેવા મુજબ શહેરમાં એએમસી દ્વારા હાલ 250થી વધુ બગીચાઓ અમુલ કંપનીને ડેવલોપ કરવા માટે ફાળવાયેલા છે. પરંતુ અમુલ કંપની દ્વારા હવે બગીચાઓની યોગ્ય સાર સંભાળ કરવામાં આવતી નથી. બગીચાઓમાં રમત-ગમતના સાધનોથી લઈને બગીચાની જાળવણીમાં ધ્યાન આપવામાં આવતું ન હોવાના કારણે હવે બગીચાઓ અન્ય સંસ્થાઓને સોંપવામાં આવી રહ્યા છે. અમુલ કંપનીની અનેક ફરિયાદો મળ્યા બાદ નવા બગીચાઓ હવે અન્ય કંપનીઓને સોંપવામાં આવશે.