અમદાવાદઃ ગુજરાતમાં વાદળછાંયા વાતાવરણ અને બફારા વચ્ચે છીટાછવાયા વિસ્તારોમાં વરસાદના ઝાપટાં પડી રહ્યા છે. જેમાં સોરઠ પંથક પર મેઘરાજા મહેરબાન થયા હોય તેમ માણાવદરમાં ત્રણ ઈંચ વરસાદ પડ્યો હતો. જ્યારે પોરબંદરના રાણાવાવમાં અને અમરેલીના ખાંભામાં બે ઈંચથી વધુ વરસાદ પડ્યો હતો. જ્યારે ગુરૂવારે મોડી સાંજ સુધીમાં 85 તાલુકામાં વરસાદના હળવા ઝાપટાં પડ્યા હતા.
જૂનાગઢ જિલ્લાના માણાવદર શહેર-પંથકમાં બપોરના સમયે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. એકાદ કલાકમાં 3 ઈંચ જેટલો વરસાદ વરસી જતા શહેરની બજારો અને રસ્તા પર પાણી વહેતા થયા હતા અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાય ગયા હતા. આ વરસાદના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરા જતાં લોકોને ગરમીથી છુટકારો મળ્યો હતો. માણાવદરમાં સાંબેલાધારે વરસાદ પડતા મીતડી રોડ ઉપર આવેલી જીનિંગ મિલોમાં પણ પાણી ઘૂસી ગયા હતા. ત્યારે નિકાલ માટે ગટર બનાવવામાં આવે તેવી પાલિકાના પૂર્વ પ્રમુખ દિનેશભાઈએ માગ કરી છે.
અમરેલી જિલ્લાના ખાંભા શહેર અને મોટાભાગના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસતા ખાંભાની ધાતરવડી નદીમાં ચોમાસાનું પહેલું પૂર આવ્યું હતું. જેના કારણે આસપાસના ખેતરો પણ પાણીથી તરબોળ થયા હતા. જ્યારે અમરેલી શહેરમાં મધરાતે 25 મિનિટમાં પોણો ઇંચ વરસાદ ખાબક્યો હતો. આ ઉપરાંત સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડતાં શેત્રુંજી નંદીમા પાણી આવ્યું છે. ઘોબાથી ઠાંસા જવાના પુલ પર શેત્રુંજી નદીમાં પાણી આવતા લોકો જોવા માટે ઉમટી પડ્યા હતા, પોરબંદરના રાણાવાવમાં બે ઈંચ વરસાદ પડ્યો હતો. જ્યારે ગીર ગઢડા, ભાવનગરના મહુવા, આણંદના ખંભાત, દાહોદ, બાલાસિનોર, મેઘરજ, ધનસુરા, મોડાસા, ઉપલેટા, વાંસદા, સહિત 85 તાલુકામાં વરસાદના હળવા ઝાપટાં પડ્યા હતા.