અમરેલીઃ સૌરાષ્ટ્રમાં દીપડાના આતંકના બનાવમાં વધારો થઈ રહ્યો છે. છેલ્લા બે દિવસ દરમિયાન અમરેલી અને ભાવનગરમાં દીપડાના હુમલાની ત્રણ ઘટનાઓ બની હતી. જેમાં એક બાળકીનું મોત નિપજ્યું હતું તેમજ ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા હતા.
અમરેલી જિલ્લામા આવેલા ધારી ગીર પૂર્વની સરસીયા રેન્જ ચલાલા બીટ વિસ્તારના ગરમલી નજીક રાત્રીના સંગીતાબેન રવીનભાઈ ઠાકર (ઉંમર વર્ષ 30) તથા નયનાબેન રાકેશભાઈ માલ (ઉંમર વર્ષ 35), આ બંને મહિલાઓ રાત્રીના સમયે તેમના ખેતરની જમીનના શેડની બહાર સુતા હતા. તે દરમિયાન દીપડો આવી જતા આ બંને ઉપર હુમલો કરી ઇજાઓ કરી હતી. બંને મહિલાઓ ઘાયલ થતા સારવાર માટે હોસ્પિટલમા ખસેડવામા આવ્યા હતા ત્યારબાદ વનવિભાગ દ્વારા ઘટના સ્થળે પહોંચી દીપડાને પકડવા માટે કવાયત હાથ ધરી હતી. પરંતુ હજુ સુધી દીપડો પકડાયો નથી.
બીજી બનાવ ભાવનગર જિલ્લાના પાલીતાણા રેન્જના ભંડારીયા ગામ નજીક વાડી વિસ્તારમાં બન્યો હતો. અહીંથી દીપડો એક બાળકીને ઉઠાવી ગયો હતો અને બાળકી ફાડી ખાધી હતી. આ ઉપરાંત ત્રીજી ઘટના અમરેલી જિલ્લામાં આવેલા ધારી ગીર પૂર્વના દલખાણીયા રેન્જમા સેમરડી નજીક રાત્રીના સમયે અહીં રહેતા કાનાભાઈ સાદુલભાઈ વાઘેલા (ઉંમર વર્ષ 50 ) તેમની પાસે ઘેટા બકરા ઢોર મોટા પ્રમાણમાં છે જેથી સિંહ ઘેટાં-બકરાનો શિકાર કરવા માટે આવ્યો હતો. પરંતુ એ ઉઠી જતા તેના ઉપર હુમલો કરતા માથાના ભાગે અને પાછળના ભાગે ઇજા થતા તેમને સારવાર માટે અમરેલી સિવિલ હોસ્પિટલમા ખસેડવામા આવ્યા હતા.