ભાવનગરઃ ગુજરાતમાં રોડ અકસ્માતના પ્રમાણમાં વધારો થતો જાય છે. ત્યારે ભાવનગરના મહુવા નજીક વધુ એક અકસ્માત સર્જાયો હતો. જેમાં મહુવા સોમનાથ હાઇવે પર સવારના સમયે ટ્રક અને ઓટોરિક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા બે શિક્ષિકા અને રિક્ષા ચાલક સહિત ત્રણના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા .આ બનાવબની જાણ થતા ની સાથે જ પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો.
પોલીસ સૂત્રોમાંથી આ અકસ્માતની એવી વિગતો મળી છે. કે, મહુવા ખાતે રહેતા જીજ્ઞાબેન ધામી ઉં.વ. 45 અને આરજુબેન જહીરભાઈ જલાલી ઉં.વ.42 બન્ને શિક્ષિકા બહેનો હનુમંત સ્કૂલ જવા ઓટો રિક્ષા નંબર જીજે 14 વાય 1964માં સવાર થયા હતા.આ રિક્ષા મહુવા સોમનાથ હાઇવે પર આવેલા ઉમણીયાવદર નજીક પહોંચી ત્યારે સામેથી આવી રહેલા ટ્રકે રિક્ષાને અડફેટે લીધી હતી. ઓટો રિક્ષામાં સવાર બે શિક્ષિકા સહિત ઓટો રિક્ષા ચાલકના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા. અકસ્માતની જાણ પોલીસને થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને મૃતદેહને પીએમ અર્થે ખસેડી ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી હતી. અકસ્માત સર્જાતા લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા. આ બનાવથી મહુવાના શિક્ષણ જગતમાં શોકની લાગણી જોવા મળી હતી. મહુવા પોલીસ આ અકસ્માત અંગે તપાસ ચલાવી રહી છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે, આજે વહેલી સવારે મહુવા નેશનલ હાઇવે રોડ પર અકસ્માત સર્જાયો હતો, જેમાં રિક્ષા અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થતાં જ ત્રણ લોકોનાં મોત થયાં હતાં. અકસ્માત એટલો ભયંકર હતો કે રિક્ષાનો ભૂકો બોલી ગયો હતો. મહુવા નેશનલ હાઈવે મોતની ચિચિયારીથી ગુંજી ઊઠ્યો હતો. આ અકસ્માતમાં 2 શિક્ષિકા સહિત રિક્ષાચાલકનું મોત નીપજ્યું હતું. મોતને ભેટેલા રિક્ષાચાલકના 5 ફેબ્રુઆરીના દિવસે લગ્ન હોવાનું પણ જાણવા મળ્યું છે. હનુમંત સ્કૂલની 2 શિક્ષિકા અને રિક્ષાચાલક સહિત ત્રણેયને સારવાર માટે હનુમંત હોસ્પિટલ ખાતે લઇ જવાતાં તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. ત્રણેયના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલ લઈ જવાયા છે.