Site icon Revoi.in

દહેગામ-બાયડ હાઈવે પર પૂરફાટ ઝડપે આવેલા ટેન્કરે બાઈકને ટક્કર મારતા ત્રણના મોત

Social Share

ગાંધીનગરઃ  રાજ્યમાં રોડ અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે. જેમાં દહેગામ-બાયડ હાઈવે પર વધુ એક અકસ્માત સર્જાયો હતો. ટેન્કરની ટક્કરથી બાઈક સવાર બે સગા ભાઈઓ સહિત ત્રણના અકાળે મોત નિપજ્યા હતા. ત્રણેય બાઈક સવાર દિપેશ્વરી માતાના મંદિરે દર્શનાર્થે જઈ રહ્યા હતા. આ દરમિયાન બાયડ તરફથી આવતા ટેન્કરના ચાલકે બાઈકને ટક્કર મારી હતી. આ બનાવના પગલે રખિયાલ પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી.

આ અકસ્માતની વિગતો એવી જાણવા મળી છે. કે, મહુંન્દ્રા ગામના ભલાજી પુંજાજી, ચકાજી પુંજાજી અને એક સગીર  નવા વર્ષ નિમિત્તે જુના ઊંટરડા ગામે દિપેશ્વરી માતાના મંદિરે દર્શનાર્થે બાઈક ઉપર ત્રણ સવારી નીકળ્યા હતા. આ દરમિયાન મેશ્વો નદી નજીક હાઇવે રોડ ઉપર બાયડ તરફથી આવતા ટેન્કરનાં ચાલકે પોતાનું ટેન્કર બેફામ રીતે હંકારીને બાઈકને ટક્કર મારી હતી. જેનાં કારણે ત્રણેય બાઈક સવારો નીચે પટકાયા હતા. આ અકસ્માતમાં ત્રણેયને ગંભીર ઈજાઓ થતાં કમકમાટીભર્યા મોત થયા છે. અકસ્માતના પગલે ટ્રાફિક જામ થઇ જતાં સ્થાનિક પોલીસ કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો. બીજી તરફ મહુન્દ્રા ગામમાં ત્રણેયના મોત થયાની જાણ થતાં ગ્રામજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. તહેવારોની ખુશી માતમમાં ફેરવાઈ હતી. હાલમાં આ મામલે રખીયાલ પોલીસ સ્થળ પર પહોંચી ત્રણેય મૃતકોના પોસ્ટમોર્ટમ સહીતની કાનૂની કાર્યવાહી હાથ ધરી રહી છે.

નવા વર્ષના પ્રથમ દિવસે દહેગામ-બાયડ હાઈવે પર સર્જાયેલા અકસ્માતમાં મહુંન્દ્રા ગામના ત્રણ યુવાનોને જીવ ગુમાવવો પડ્યો છે. જેથી ગ્રામજનોમાં શોકનું મોજું ફરી વળ્યું છે. બે સગા ભાઈ સહિત ત્રણેય વ્યક્તિ નવા વર્ષે માતાજીનાં દર્શનાર્થે જઈ રહ્યા હતા. એ પહેલાં જ માતેલા સાંઢની માફક આવી રહેલા ટેન્કરની ટક્કરથી ત્રણેયના મોત નિપજ્યા હતા.