ભાવનગરઃ જિલ્લાના વલ્લભીપુર-ઉમરાળા હાઇવે રોડ પર મોડીરાત્રે લક્ષ્મી પેટ્રોલ પંપ પાસે કાર અને ડમ્પર વચ્ચે ભયકંર અકસ્માત સર્જાતા કારમાં મુસાફરી કરી રહેલા ત્રણ લોકોના ઘટનાસ્થળે મોત નિપજયા હતા. જ્યારે એકને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યા તેનું પણ મોત થતા અકસ્માતમાં કુલ 4 લોકોના મોત થયા હતા. આ અકસ્માતમાં કારના ફુરચેફુરચા ઉડી ગયા હતા. તેમજ હાઈવે મરણચીસોથી ગુંજી ઉઠ્યો હતો. લાશોને બહાર કાઢવા પણ કારના પતરા તોડવા પડ્યા હતા.
પોલીસ સૂત્રોમાંથી આ અકસ્માતની વિગતો એવી જાણવા મળી છે. કે, અમરેલીનો આહીર પરિવાર સુરતથી કારમાં અમરેલી પરત આવી રહ્યો હતો. તે દરમિયાન ભાવનગરના વલ્લભીપુર ઉમરાળા હાઈવે કાર અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં આહિર પરિવારના ત્રણ સભ્યોના મોત નિપજ્યા હતા. તેમજ એકને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તેણે પણ દમ તોડ્યો હતો આમ, અકસ્માતમાં મૃત્યુ આંક 4 પર પહોંચ્યો હતો. અકસ્માતના બનાવની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. ડમ્પર પૂર ઝડપે અથડાતા કારના ફુરચેફુરચા ઊડી ગયા હતા.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, આહિર પરિવાર સુરતથી પરત અમરેલી જઈ રહ્યો હતો. ત્યારે વલ્લભીપુરથી બાયપાસ રાજકોટ રોડ પર અકસ્માતનો બનાવ બન્યો હતો. અકસ્માતમાં ત્રણના ઘટના સ્થળે મોત થયા હતા. જેમાં જીલુભાઈ ભુવા, ગીતાબેન ભુવા તેમજ શિવમ નામના કિશોરનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. અકસ્માતના બનાવમાં અન્ય એક શુભમ નામના વ્યક્તિને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેણે પણ દમ તોડ્યો હતો. અકસ્માત એટલો ભયંકર હતો કે, લાશોને બહાર કાઢવા માટે કારના પતરા તોડવા પડ્યા હતા. આ અકસ્માતના પગલે હાઈવે મરણચીસોથી ગુંજી ઉઠ્યો હતો.