Site icon Revoi.in

ભાવનગરના વરતેજ-બુધેલ રોડ પર લાખણકા પાસે પુલ પરથી ઘઉંનું થ્રેસર પડતા ત્રણના મોત

Social Share

ભાવનગરઃ ગોહિલવાડ પંથકમાં હાલ ઘઉંની સીઝન ચાલતી હોવાથી છેક પંજાબથી ઘઉંના થ્રેસર લઈને ઘઉં કાઢવા માટે અનેક લોકો આવ્યા છે. ત્યારે વરતેજ-બુધેલ રોડ પર લાખણકા ગામના ડેમ સામે જર્જરિત પુલ પરથી થ્રેસર પસાર થઈ રહ્યું હતું ત્યારે તેના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા થ્રેસર પુલ નીચે ખાબકીને પાણીમાં પડતા પંજાબના ત્રણ યુવાનોના ઘટના સ્થળે મોત નિપજ્યા હતા.

સૂત્રોના જણાવ્યા મુજબ ભાવનગર જિલ્લામાં પણ રવિ સિઝનના રોકડીયા પાક ઘઉંના કટીંગની સિઝન પૂરજોશમાં ચાલી રહી છે. દર વર્ષે આ સિઝન શરૂ થાય એ પહેલા જ હરિયાણા, પંજાબ સહિતના પ્રાંતથી અદ્યતન થ્રેસર (ઘઉં કાઢવા માટેનુ મશીન) સાથે મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે. એક થી બે મહિના સુધી ભાવનગર જિલ્લાના અલગ અલગ તાલુકાના ગામડાઓમાં ફરી ઘઉં કાઢી આપવાનું કામ રાખી રોજીરોટી રળતા હોય છે. ત્યારે પંજાબથી તાજેતરમાં થ્રેસર મશીન સાથે એક કાફલો ઘોઘાના ગામડાઓમાં ફરી રહ્યો છે. દરમિયાન થ્રેસર સાથે ત્રણ સરદારજી યુવાનો વરતેજ-બુધેલ હાઈવે-રીંગરોડપરથી પસાર થઈ રહ્યા હતા, તે વેળાએ લાખણકા ડેમ સામે આવેલા જર્જરિત પુલ પરથી થ્રેશર મશીન સાથે ત્રણેય યુવાનો પાણીમાં ખાબકતા ગંભીર અકસ્માત સર્જાયો હતો.  બનાવની જાણ વરતેજ પોલીસ તથા ફાયરબ્રિગેડના જવાનોને થતાં કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને રેસ્કયુ ઓપરેશન હાથ ધર્યું હતું. આ ઘટનામાં ત્રણેય યુવાનોના મોત થયા હતા. પોલીસે મૃતકોની ઓળખ મેળવવા તજવીજ હાથ ધરી હતી. પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.