Site icon Revoi.in

મહેસાણાના ઉપેરા- જાસ્કા રોડ પર બાઈક અને ટેમ્પા વચ્ચે અકસ્માત સર્જાતા ત્રણનાં મોત

Social Share

મહેસાણાઃ ગુજરાતમાં રોજબરોજ રોડ અકસ્માતના બનાવો વધી રહ્યા છે. પૂરઝડપે દોડતા વાહનોને લીધે સર્જાતા અકસ્માતોમાં મોતના બનાવો પણ વધી રહ્યા છે. ત્યારે જિલ્લાના ઉપેરા અને જાસ્કા વચ્ચે રોડ પર પૂરઝડપે આવેલા છોટાહાથી ટેમ્પાએ બાઈકને અડફેટે લેતે બાઈકસવાર એક જ પરિવારના ત્રણના મોત નિપજ્યા હતા.

પોલીસ સૂત્રોમાંથી અકસ્માતના આ બનાવની વિગતો એવી જાણવા મળી છે. કે, મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકામાં આવેલા ખેરપુર ગામે રહેતા 35 વર્ષીય બળવંતજી શંભુજી ઠાકોર પાંચમ હોવાથી અને નવરાત્રિ ચાલતી હોવાથી પોતાની પત્ની હંસાબેન અને દીકરો કિશન સાથે બાઈક પર બેસીને દાસજ ખાતે આવેલા ગોગા મહારાજનાં દર્શને ગયાં હતાં. જ્યાં દર્શન કરીને પરત આવતા સમયે ઉપેરા અને જાસ્કા વચ્ચે છોટા હાથી ટેમ્પો અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.આ અકસ્માત થતાં જ સ્થાનિક લોકો અને વાહનચાલકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. જ્યાં રોડની સાઈડમાં બાઈક અને છોટા હાથી જોવા મળ્યાં હતાં. તેમજ પરિવારના ત્રણ સભ્યો લોહીલુહાણ હાલતમાં હતા. જેથી 108ને જાણ કરતા પ્રથમ વડનગર સિવિલ ખસેડવામાં આવતા ત્યાંથી વધુ સારવાર માટે મહેસાણાની લાયન્સ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જોકે, રસ્તામાં વચ્ચે જ એકનું મોત થયું હતું. તેમજ સારવાર દરમિયાન બે લોકોનાં મોત નીપજ્યાં હતાં. બાદમાં મહેસાણા સિવિલમાં ત્રણેયની લાશનું પોસ્ટમોર્ટમ કરાવ્યાં બાદ મૃતદેહ તેમના પરિવારજનોને સોંપવામાં આવ્યા હતા.

સમગ્ર મામલે ખેરપુરના ગ્રામજનોએ જણાવ્યું હતું કે, અમારા ગામના બળવંતજી શંભુજી ઠાકોર તેમના પત્ની અને પૂત્ર બાઈક પર સવાર થઈને દાસજ ગામે દર્શન કરવા ગયા હતો અને પરત ફરતા સમયે અકસ્માત નડ્યો હતો. જેમાં પિતા-પુત્ર અને માતાનું મોત થયું છે. પરિવારમાં માતા-પિતા સહિત બે પુત્રો હતા. જેમાંથી ત્રણ લોકોનાં મોત થતાં હવે 17 વર્ષીય અન્ય એક દીકરો નોંધારો બન્યો છે. મૃતક હંસાબેનને બે માસ અગાઉ ખેતરમાં કામ કરતા સમયે સાપ કરડ્યો હતો અને ખાનગી દવાખાને 15 દિવસ સારવાર કરાવી હતી. તેમજ મૃતક મજૂરી કરી પોતાના પરિવારનું જીવન ગુજારતો હતો.