પાટણઃ ગુજરાતમાં માર્ગ અકસ્માતોના બનાવો વધતા જાય છે. જેમાં સમી-રાધનપુર હાઈવે પર પૂરફાટ ઝડપે આવેલી સ્વીફ્ટકાર અને ઈકોકાર વચ્ચે સામસામે અકસ્માત સર્જાતા એક મહિલા પોલીસકર્મી સહિત ત્રણ લોકોના મોત નિપજ્યા હતા. બંને કાર વચ્ચે ટક્કર એટલી જોરદાર હતી કે કારના આગળના ભાગનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. મહિલા પોલીસ કર્મચારી સમી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હોવાનું કહેવાય છે. મુખ્યમંત્રીના કાર્યક્રમના બંદોબસ્તમાંથી પરત ફરતી વખતે આ અકસ્માત નડ્યો હતો. આ મામલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
અકસ્માતના આ બનાવની એવી વિગતો જાણવા મળી છે. કે, સાંથલી ગામના રહિશ એવા મહિલા પોલીસ કર્મચારી અને તેમના પતિ તથા અન્ય રુખીબેન દેવાભાઈ દેસાઈ નામના પોલીસ કર્મચારી પાટણ ખાતે મુખ્યમંત્રીના બંદોબસ્તની ફરજ પૂર્ણ કરીને પોતાના ગામ પરત ફરી રહ્યા હતા. ત્યારે સમી-રાધનપુર હાઈવે પર વરણા ગામ નજીક આવેલા ખોડિયાર હોટલ પાસે પહોંચતા સામેથી રાધનપુરના ગોકલપુરા ગામના લોકો માતાજીની પલ્લી ભરી પરત ગોઝારીયા ખાતે જઈ રહ્યા હતા તે દરમિયાન અકસ્માત સર્જાયો હતો. જેમાં સ્વીફ્ટ કાર અને ઈકો કાર સામ સામે અથડાઈ હતી ત્યારે બંને કારના આગળના ભાગનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. આ ગમખ્વાર અકસ્માતમાં સ્વીફ્ટ કારમાં સવાર રેખાબેન નારસંગભાઈ દેસાઈ અને તેમના પતિ વિષ્ણુ ભાઈ જામભાઈ દેસાઈનું કરુણ મોત નીપજ્યું હતું અને અન્ય પોલીસકર્મી રુખીબેન દેવાભાઈ દેસાઈને ગંભીર ઇજાઓ થતા તેમને અમદાવાદ ખાતે રીફર કરવામાં આવ્યા હતા.જ્યારે ઈકો કારમાં સવાર 2 માસની બાળકી કાવ્યાબેન સુરેશભાઈ ઠાકોરને ગંભીર ઇજા થતા બાળકીનું કરુણ મોત નીપજ્યું હતું, ઈકોમાં સવાર અન્ય 8 લોકો ઇજાગ્રસ્ત થતા તેમને ધારપુર ખાતે સારવાર અર્થે ખસેડાયા હતા. અકસ્માતની જાણ સમી પોલીસને થતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી મૃતક લોકોને સમી રેફરલ ખાતે પીએમ અર્થે લઈ જવામાં આવ્યા હતા. આ અકસ્માતને લીધે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.