અમદાવાદઃ રાજ્યના હાઈવે પર અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે. જેમાં વધુ એક અકસ્માત ધોલેરા નજીક સર્જાયો હતો.ભાવનગર-અમદાવાદ શોર્ટરૂટ પર પીપળી-વટામણ વચ્ચે મારૂતિ ઈકો કાર તથા ટ્રક વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં ત્રણ જણાના ઘટના સ્થળે કમકમાટીભર્યા મોત નિપજ્યાં હતાં જયારે ગંભીર રીતે ઘવાયેલા ચાર વ્યક્તિઓને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
ભાવનગર અમદાવાદ હાઈ-વે પર અમદાવાદના ધોલેરા પીપળી નજીક ટ્રક અને ઇકો કાર ધડાકાભેર અથડાઈ હતી. જેમાં ઈકો કારમાં સવાર ભાવનગરના શિહોરના પરિવારના ત્રણ સભ્યોના ઘટના સ્થળે મોત નિપજ્યા હતા, જ્યારે ચાર વ્યક્તિઓને ગંભીર ઈજા પહોંચતા 108 એમ્બ્યુલન્સ મારફતે તેમણે તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતનો ભોગ બનેલા મૃતકો સિહોર તાલુકાના હોવાનું જાણવા મળ્યું છે જેમાં સુખા જેઠાભાઇ મકવાણા (ઉ.વ.40 રહે.શ્રેયસ સોસાયટી ટાઉનહોલ પાછળ સિહોર,) ગોવિંદ હમીરભાઈ ગોહિલ (રહે.ઈશ્વરીયા ગામ તા.સિહોર) તથા રાજુ ઉર્ફે વિહા લખમણભાઈ ખાંભલ્યા (ઉ.વ.40 રહે,રામધરી ગામ તા.સિહોર)નો સમાવેશ થાય છે. જ્યારે ગંભીર રીતે ઘવાયેલા ગાંડા કમા જોટાણા-રબારી (ઉ.વ.45 રહે, જીથરી તા.સિહોર) અને બુધા ડાયા જોટાણા-રબારી (રહે.મોટાસુરકા તા.સિહોર)ને ગંભીર હાલતે પ્રથમ સારવાર અર્થે ધંધૂકા ત્યારબાદ વધુ સારવાર અર્થે ભાવનગર સર.ટી હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હતાં. આ ઘટનાની જાણ ધોલેરા પોલીસને થતાં પોલીસ કાફલો તથા 108 સ્થળપર દોડી આવી તપાસ હાથ ધરી હતી આ ઘટનામાં અકસ્માત સર્જનારા ટ્રક ચાલકની પોલીસે અટકાયત કરી હતી આ બનાવના વાવડ મૃતકોના સ્વજનોને થતાં રબારી સમાજમાં ઘેરા શોકનું મોજું ફરી વળ્યું હતું.
સૂત્રોના જણાવ્યા મુજબ જીવલેણ અકસ્માતો માટે કુખ્યાત બનેલા ભાવનગર-અમદાવાદ શોર્ટરૂટ પર છાશવારે પ્રાણઘાતક અકસ્માતો સર્જાતા રહે છે, આમ છતાં જવાબદાર તંત્રના પેટનું પાણી પણ હલતું નથી. ધોલેરા પોલીસ મથક હેઠળના પીપળી-વટામણ વચ્ચે ડુંગળી ભરેલો મધ્યપ્રદેશ પાસિંગ નો ટ્રક નં-એમ પી-09-એચએચ-4980 ભાવનગર તરફ આવી રહ્યો હતો તે વેળાએ સિહોરથી ખેડા જિલ્લા તરફ જઈ રહેલી મારૂતિ ઈકો કાર નં-જી-જે-05-જેકે-5278 સામસામે ધડાકાભેર અથડાતાં કારમાં સવાર ત્રણ જણાના ઘટના સ્થળે મોત નિપજ્યા હતા. જ્યારે ચાર વ્યક્તિઓને ગંભીર ઈજા પહોંચી હતી.