નડિયાદઃ રાજ્યમાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. જેમાં વધુ એક અકસ્માતનો બનાવ કપડવંજ બાઈવે પર સર્જાયો હતો. કપડવંજના આલમપુરા પાસે હાઈવે પર ઈકો કારના ચાલકે ઓવરટેક કરવા જતાં સામેથી આવતા કન્ટેનર ટ્રક સાથે ઈકો કાર ધડાકા સાથે અથડાતા કારમાં સવાર ત્રણના ઘટના સ્થળે મોત નિપજ્યા હતા. જ્યારે 8 લોકોને ઈજાઓ થતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા.
આ અકસ્માતના બનાવની વિગતો એવી જાણવા મળી છે કે, કપડવંજ પાસે ઈકો કાર અને કન્ટેનર ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ઓવરટેકની લાયમાં ઈકો કારની કન્ટેનર સાથે જોરદાર ટક્કર થઈ હતી. જેથી ઈકોનો કચ્ચરઘાણ વળી ગયો હતો. દીકરાના લગ્ન કરાવી પરત આવી રહેલા પિતા સહિત ત્રણ જાનૈયાના મોત થયા હતા. તેમજ ઈકો કારમાં સવાર 8 લોકોને ઈજા પહોંચી છે. ત્યારે લગ્રનો પ્રસંગ માતમમાં ફેરવાતા પરિવાર પર આભ તૂટી પડ્યું છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ કપડવંજ તાલુકાના સોરણા ગામે રહેતા અરવિંદભાઈ ફુલાભાઈ વાઘેલાના બે દીકરા ગણપત તેમજ દશરથનાં લગ્ન હતાં. જે લગ્રની જાન આ ગામથી મહાદેવ પાખિયા ખાતે ગઈ હતી. જેમાં અરવિંદભાઈનાં પરિવારજનો અને ગ્રામજનો પણ પોતાનાં જુદાં જુદાં વાહનો લઇને લગ્નમાં પહોંચ્યા હતા. લગ્ન પૂર્ણ કરી જાન લઈને પરત આવી રહ્યા હતા. ત્યારે સોરણા ગામના કલ્પેશભાઈ રાયસિંગભાઈ ખાંટની ઈકો કારમાં અરવિંદભાઈ ફુલાભાઈ વાઘેલા, મિતેશભાઈ પરમાર, કલ્પેશભાઈ ખાંટ સહિત 8 લોકો પરત ઘરે સોરણા મુકામે આવી રહ્યા હતા. ઈકો કાર રાજુભાઇ રામજીભાઈ રબારી ચલાવતા હતા. ઈકો કાર કપડવંજના આમલપુરા પાસેથી પસાર થતી હતી તે વખતે આ કારના ચાલક રાજુભાઇ રબારીએ આગળ જતાં વાહનોને ઓવરટેક કરવા જતાં કપડવંજ તરફથી આવતી કન્ટેનર ટ્રક સાથે પોતાની ઈકો કાર ધડાકાભેર અથડાવી હતી. જેથી ઈકો કારનો લોચો વળી ગયો હતો. આ અકસ્માતમાં કારમાં સવાર 3 લોકોના ઘટના સ્થળે મોત નીપજ્યા હતા. જેમાં પુત્રના લગ્ન કરાવી પરત આવી રહેલા પિતાનો પણ સમાવેશ થાય છે. જ્યારે 8 લોકોને ઈજાઓ પહોંચતા 108 એમ્બ્યુલન્સ અને અન્ય વાહનો મારફતે નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. તો આ બનાવ મામલે ઈજાગ્રસ્ત મિતેશભાઈ રમેશભાઈ પરમારે ઉપરોક્ત ઈકો કાર ચાલક રાજુભાઇ રામજીભાઈ રબારી વિરુદ્ધ કપડવંજ રૂરલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.