Site icon Revoi.in

ખેડા-મહેમદાવાદ રોડ પર પૂરફાટ ઝડપે સ્કુટર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા ત્રણના મોત

Social Share

અમદાવાદઃ રાજ્યમાં અકસ્માતોનું પ્રમાણ વધતુ જાય છે. જેમાં વધુ એક અકસ્માત ખેડા-મહેમદાવાદ રોડ પર સર્જાયો છે. ખેડા-મહેમદાવાદ રોડ ઉપર આવેલા મૂક્તજીવન ગૌશાળા નજીક ઢળતી સાંજે એક્ટિવા અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં ત્રણના મોત નિપજ્યા હતા. એક યુવકનું ઘટનાસ્થળે જ્યારે અન્ય બે ના હોસ્પિટલમાં મૃત્યુ થયા હતા. બે વ્યક્તિઓ બાઈક લઈને વિરોલ ગામથી ભાવનગર માતાજીના મંદિરે જતા હતા. જ્યારે એક્ટિવા ચાલક યુવક ખેડાનો છે અને તે ટ્યુશન માટે જતો હતો. આ દરમિયાન અકસ્માત સર્જાયો હતો.

પોલીસ સૂત્રોમાંથી અકસ્માતની એવી વિગતો જાણવા મળી છે કે, મહેમદાબાદ તાલુકાના વીરોલ ગામમાં રહેતા ઈશ્વરભાઈ ખોડાભાઈ ભોઈ તેમજ તેમના ફળિયાના શૈલેષભાઈ ઉર્ફે ગોપાલભાઈ ભોઈ ઘરેથી પોતાનું મોટરસાયકલ નંબર (જી.જે.07 એ.ક્યુ 5708) લઈ વીરોલથી ખેડા થઈને ભાવનગર દર્શન કરવા માટે નીકળ્યા હતા. સાંજે તેઓ મોટરસાયકલ લઈ ખેડા પાસે મુક્તજીવન ગૌશાળા નજીક પસાર થઈ રહ્યા હતા. ત્યારે એક્ટિવા સાથે તેઓની બાઈકની ટક્કર થઈ હતી. એક્ટિવા ચાલક મોહમ્મદજેદ વ્હોરા આગળ જતાં વાહનને ઓવરટેક કરવા જઈ રહ્યા હતા તે દરમિયાન એક્ટિવા (જી. જે. 07 સી. આર 2856)એ સામેથી આવી રહેલી ઈશ્વરભાઈના બાઈક સાથે અથડાઈ હતી. જેથી અકસ્માત સર્જાયો હતો.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, આ અકસ્માતમાં કુલ ત્રણ વ્યક્તિઓને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેમાં બાઇકની પાછળ બેઠેલા ઇશ્વરભાઇ ખોડાભાઇ ભોઇ (ઉં.વ.48)ને શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા ઘટના સ્થળે મૃત્યુ નિપજયું હતું. જ્યારે એક્ટિવા ચાલક મહંમદજૈદ સલીમ વહોરા (ઉ.વ.18)નું સિવિલમાં સારવાર દરમિયાન મૃત્યુ નિપજયુ હતું. તેમજ બાઇક ચાલક શૈલેષભાઈ ઉર્ફે ગોપાલ જશુભાઇ ભોઇ (ઉં.વ.25)ને શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે ખેડાની હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ત્યાં સારવાર દરમિયાન તેમનું પણ મોત નિપજ્યું હતું.

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, વિરોલ ગામના ઇશ્વરભાઇ અને શૈલેષ ઉર્ફે ગોપાલભાઈ ભાવનગરમાં અષાઢી બીજને લઈ ખોડિયાર માતાજીના મંદિરે દર્શન કરવા માટે જતા હતા. ત્યારે ખેડા પાસે અકસ્માત નડ્યો હતો. અને બન્નેના મોત થતા બીજના દર્શનના ઓરતા અધુરા રહ્યા હતા. તેમજ મહંમદજૈદ વ્હોરા ટયુશનમાં જઈ રહ્યો હતો. ત્યારે તેનું પણ અકસ્માતમાં મોત થયું હતું. આ બનાવ અંગે ખેડા પોલીસે નવઘણભાઈ ખોડાભાઈ ભોઈની ફરિયાદના આધારે એક્ટિવા ચાલક સામે ગુનો નોધી કાર્યવાહી હાથ ધરી છે.