Site icon Revoi.in

ભચાઉના સામખિયાળી નજીક ટ્રેલર અને ટ્રેકટર વચ્ચે અકસ્માત સર્જાતા ત્રણના મોત

Social Share

ભૂજઃ કચ્છમાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. જેમાં વધુ એક અકસ્માતનો બનાવ ભચાઉના સામખિયાળી નજીક નેશનલ હાઈ-વે પર ટ્રેલર અને ટ્રેકટર વચ્ચે સર્જાયો હતો. જેમાં ટ્રેકટરની ટ્રોલીમાં બેઠેલા ત્રણના મોત નિપજ્યા હતા. અકસ્માત બાદ ટ્રેલર સાથે તેનો ચાલક ફરાર થયો હતો. જોકે, હાઈવે હોટલ નજીકથી પોલીસને બીનવારસી ટ્રેલર મળી આવ્યુ હતું, પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરીને નાસી ગયેલા ટ્રેલરના ચાલકની શોધખોળ આદરી છે.

ભચાઉના લાકડીયા-સામ ખિયાળી વચ્ચે રાયમલબાપની મઢી નજીક ટ્રેલર અને ટ્રેક્ટર વચ્ચે જોરદાર અકસ્માત સર્જાયો હતો. ટ્રેલરની ટક્કર લાગતા ટ્રોલી સાથે ટ્રેક્ટર આખુ પલટી ગયું હતું. આ અકસ્માતમાં ટ્રોલીમાં સવાર એક જ ગામના ત્રણ લોકોના મોત થયા હતા. જ્યારે ટ્રેક્ટર ચાલકને સામાન્ય ઈજા પહોચી હતી.

પોલીસ સૂત્રોમાંથી આ બનાવની એવી વિગતો જાણવા મળી છે. કે, ભચાઉના સામખીયાળી લાકડીયા વચ્ચેના ધોરીમાર્ગ ઉપર આજે શુક્રવારે સવારે 8.15 વાગ્યાના અરસામાં ગમખ્વાર અકસ્માતની ઘટના સર્જાઈ હતી. રાયમલ બાપાની મઢી નજીક રાધનપુર તરફથી પુરપાટ આવતા ટ્રેલરે એરંડા ભરીને ભચાઉ માર્કેટયાર્ડ જતા ટ્રેક્ટર ટ્રોલીને હડફેટે લીધી હતી. જેથી ટ્રેક્ટર ટ્રોલી સાથે પલટી ગયું છે. જેમાં ટ્રોલીમાં સવાર બે વ્યક્તિના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજયા હતા. જ્યારે એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત થયું હતું. ટ્રેક્ટર ચાલક જોરદાર ટક્કરના કારણે સીટ પરથી બાજુના માર્ગે ફંગોળાઈ જતા તેમનો ચમત્કારીક બચાવ થયો હતો. અકસ્માત બાદ ટ્રેલર ચાલક વાહન લઈને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. જને બાદમાં લાકડીયા પોલીસે મોરબી તરફની હાઇવે હોટેલ પરથી ટ્રેલરને શોધી લીધું હતું. જોકે, ટ્રેલર ચાલક ફરાર થઈ ગયો હતો. પોલીસે હતભાગી મૃતકોના પીએમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.