વડોદરાઃ રાજ્યમાં અકસ્માતના બનાવો વધતા જાય છે. જિલ્લાના પાદરા તાલુકાના વડું ગામમાં પરિવારના વડીલના અંતિમક્રિયામાં ગયેલા સાવલી તાલુકાના ટુંડાવ ગામના ડોડિયા પરિવારને કારનો અકસ્માત નડતાં ડ્રાઇવર સહિત ત્રણ લોકોના મોત નીપજ્યા હતાં, જ્યારે અન્ય સભ્યોને નાની-મોટી ઇજાઓ થતાં સારવાર માટે સયાજી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. આ અકસ્માતમાં મોતને પગલે ટુંડાવ ગામમાં શોકની લાગણી વ્યાપી ગઇ હતી. આ બનાવની જાણ વડું પોલીસને કરવામાં આવતાં પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
આ અકસ્માતની વિગતો એવી જાણવા મળી છે કે, વડોદરા સાવલી તાલુકાના ટુંડાવ ગામમાં રહેતા રાબિયાબેન છત્રસિંહ ડોડિયા(ઉં.વ.50), ભીખીબેન હિંમતસિંહ ડોડિયા (ઉં.વ.45) સહિત 6થી 7 પરિવારના સભ્યો મારુતિ વાનમાં બેસીને વડું ખાતે રહેતા સંબંધી રતનસિંહના સસરા મૃત્યુ પામ્યા હોવાથી તેમની અંતિમક્રિયા માટે ગયા હતા. અંતિમક્રિયાનો પ્રસંગ પતાવી ડોડિયા પરિવારના સભ્ય મારુતિ વાનમાં પરત સાવલી ટુંડાવ ગામે જવા માટે વડુથી નીકળ્યા હતા. દરમિયાન પાદરા તાલુકાના મહુવડ નવાપુરા ગામ પાસે કાર ચાલકે ટક્કર મારતા મારુતિ વાન પલટી મારી ગઇ હતી. આ બનાવમાં મારુતિ વાનમાં સવાર રાબિયાબેન છત્રસિંહ ડોડિયા, ભીખીબેન હિંમતસિંહ ડોડિયા તથા વાન ચાલાક વિજય સિંહ ડોડિયાને ગંભીર ઇજાઓ થવાથી તેમનાં મોત નીપજ્યાં હતાં, જ્યારે અન્ય લોકોને નાની-મોટી ઇજાઓ થવાથી પ્રાથમિક સારવાર સ્થાનિક સરકારી દવાખાનામાં આપ્યા બાદ વધુ સારવાર માટે અત્રેની સયાજી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા. એરેરાટીભર્યા અકસ્માતના આ બનાવની જાણ વડુ પોલીસને કરવામાં આવતા વડું પોલીસ દ્વારા કારચાલક વિરુદ્ધ અકસ્માત મોતનો ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવે વડું અને ટુંડાવ ગામમાં ગમગીની ફેલાવી દીધી છે.