પાલનપુરઃ બનાસકાંઠામાં માર્ગ અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે. છેલ્લા એકથી દોઢ દિવસમાં જુદા જુદા થયેલા રોડ અકસ્માતોમાં ત્રણના મોત થયાં હતા. જેમાં પાલનપુર-અમદાવાદ હાઈવે પર એસબીપુરા પાટિયા પાસે કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા બાઈકસવાર યુવકનું મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય બે લોકોને ઈજા થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યારે બીજા અકસ્માતના બનાવમાં ભાભરના અબાળા હાઇવે ઉપર શાળાએથી પરત ફરીને ધોરણ 1નો વિદ્યાર્થી રોડક્રોસ કરતો હતો ત્યારે સુઇગામ તરફથી પુરઝડપે આવતી કારના ચાલકે અડફેટે લેતા વિદ્યાર્થીનું મોત નીપજ્યું હતું. જેમાં અકસ્માતના પગલે અબાળા ગામ લોકો દોડી આવતાં કાર ચાલક કાર મુકીને ફરાર થઇ ગયો હતો. આ ઉપરાંત ત્રીજો અકસ્માત ડીસા-રાધનપુર હાઈવે પર સર્જાયો હતો. જેમાં ડીસા-રાધનપુર નેશનલ હાઇવે પર કુંપટના પાટિયા પાસે હીટ એન્ડ રનની ઘટનામાં એક યુવકનુ મોત થયું હતું લગ્ન પ્રસંગમાં જઈ પરત આવી રહેલા બાઈક સવાર યુવકને ટ્રેલર ચાલકે અડફેટે લેતા યુવકનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. અકસ્માત બાદ ટ્રેલર ચાલક નાસી છૂટ્યો હતો.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે.આજે પાલનપુર-અમદાવાદ હાઈવે પર એસબીપુરા પાટિયા પાસે એક બાઈક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈક પર સાવર યુવાનનું ઘટનાસ્થળ પર જ મોત નિપજ્યું હતું. જ્યારે બે લોકો ઘાયલ થતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ અંગે પાલનપુર તાલુકા પોલીસે ઘટનાસ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. આ ઉપરાંત અકસ્માતના બીજા બનાવમાં અબાળા પ્રાથમિક શાળામાં ધોરણ-1 માં ભણતા વનરાજકુમાર બળવંતજી ઠાકોર સાંજે પાંચ વાગે શાળામાંથી છુટીને ઘરે જવા હાઇવે ઓળંગતો હતો. ત્યારે સુઇગામ તરફથી પુરઝડપે આવતી જીજે-24 એક્યૂ-3503 નંબરની કારના ચાલકે વનરાજને અડફેટે લેતા તેનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. અકસ્માતના પગલે અબાળા ગામ લોકો દોડી આવતાં કાર ચાલક કાર મુકીને ફરાર થઇ ગયો હતો. ભાભર પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. પોલીસે કાર ચાલક સામે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. કાર ચાલક દારૂ પીધેલી હાલતમાં હોવાનું સામે આવ્યું હતું.
અકસ્માતનો ત્રીજો બનાવ ડીસા- રાધનપુર હાઈવે બન્યો હતો જેમાં ડીસા તાલુકાના કુંપટ ગામે રહેતા દિલીપસિંહ ભટેરીયાનો પુત્ર મહેન્દ્રસિંહ બાઈક લઈને ડીસા તાલુકાના માલગઢ ગોગાઢાણી ખાતે લગ્નમાં ગયો હતો અને મોડી રાત્રે તેના કૌટુંબિક ભાઈઓ સાથે બાઈક પર પરત આવી રહ્યા હતા. ત્યારે ડીસા ભીલડી હાઇવે પર કુંપટ ગામના પાટીયા પાસે એક ટ્રેલર ચાલકે બાઈકને પાછળથી ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. જેમાં મહેન્દ્રસિંહ ટેલર નીચે આવી જતાં તેનું ઘટના સ્થળે નીપજ્યું હતું. જ્યારે ટ્રેલરને સાઈડ કરવાનું કહેતા ટ્રેલર ચાલક નાસી છૂટયો હતો. અકસ્માતની જાણ થતાં ડીસા તાલુકા પોલીસ અને મહેન્દ્રસિંહના પરિવારજનો પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા. વહાલસોયા દીકરાના મોત થતાં પરિવારજનોના કરુણ કલ્પાંતથી વાતાવરણ દ્રવી ઉઠ્યું હતું.